આજે ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે ફરીથી થશે વાતચીત; પંજાબમાં રેલ રોકો આંદોલન

નવી દિલ્હી: પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની વિવિધ માંગને લઇને દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતો બે દિવસથી દિલ્હીની શંભુ બોર્ડર સહિતની સરહદો પર પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને ખેડૂતોને વેર વિખેર કરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. હવે ચંદીગઢમાં ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત થશે. બીજી તરફ પંજાબમાં ખેડૂતોએ રેલ રોકવાની ચિમકી આપી છે.

ખેડૂતોની મીટિંગમાં 3 કેન્દ્રીય મંત્રી સામેલ થશે

ખેડૂતો સાથે આજે વાતચીતમાં કેન્દ્ર સરકાર તરફથી ત્રણ કેન્દ્રીય મંત્રી સામેલ થશે. આ પહેલા બે કેન્દ્રીય મંત્રી બેઠકમાં સામેલ થતા હતા જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કૃષિ મંત્રી અર્જુન મુંડા સામેલ હતા. આજે યોજાનારી બેઠકમાં નિત્યાનંદ રાય પણ સામેલ થશે.

ગુરનામ સિંહ ચઢૂનીએ સરકારને ચેતવણી આપી

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું, પંજાબના ખેડૂત ભાઇ આંદોલન કરી રહ્યાં છે. પોલીસ ટિયર ગેસના સેલ અને પ્લાસ્ટિકની ગોળીઓ મારી રહી છે. સરકાર શાંતિથી કામ લે. ખેડૂતોને ના ઉકસાવે નહીં તો સરકારને સંભાળવું મુશ્કેલ બની જશે. આ ઘટનાને વાતચીતથી હલ કરવી જોઇે. કોઇ પણ માંગ ખોટી નથી. ખેડૂતો સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જેમ કે તે વિદેશી હોય અને તે કોઇ સરહદ પર ઉભા હોય.

ખેડૂતો પર કાર્યવાહીથી ભગવંત માન પર ભડક્યા ચન્ની

ખેડૂતો પર શંભુ બોર્ડર પર કાર્યવાહીને લઇને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરમજીત સિંહ ચન્નીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે હરિયાણા સરકાર ખેડૂતોને પંજાબની ધરતી પર લોહી લુહાણ કરી રહી છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કેજરીવાલ સાથે મુસાફરી કરી રહ્યાં છે, તેમણે આ સમયે ખેડૂતોનો સાથ આપવો જોઇએ. ખેડૂતો પર અત્યાચાર ના થવા દેવો જોઇએ, તેમણે કહ્યુ કે જ્યારે તે ખુદ મુખ્યમંત્રી હતા તો પણ વડાપ્રધાનનો રસ્તો રોકવા પર તેમણે કોઇ ગોળી ચલાવી નહતી, કોઇ લાઠીચાર્જ કર્યો નહતો તો હવે પંજાબ સરકાર અને પંજાબના મુખ્યમંત્રી ક્યા છે?

ટિકરી બોર્ડર સીલ, ટ્રાફિક ઠપ્પ

ખેડૂતોના દિલ્હીમાં પ્રદર્શનને જોતા ટિકરી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. એવામાં ટ્રાફિક પુરી રીતે ઠપ્પ થઇ ગયો છે. સ્થાનિક લોકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઘરેથી ઓફિસ માટે ચાલતા નીકળી રહ્યાં છે. આટલું જ નહીં મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો પણ પરેશાન છે કારણ કે મેટ્રોમાંથી ઉતર્યા બાદ લોકોને ના તો ઇ-રિક્ષા કે ના તો કોઇ વાહન મળી રહ્યું છે.

આ પણ વાંચો-ગુજરાતની જેલોમાં કસ્ટોડીયલ ડેથના આંકડામાં ચિંતાજનક વધારો; બે વર્ષમાં 173ના મોત