શું ખેરાલુ પોલીસ પોતાની સત્તાનો દુરપયોગ કરે છે? ₹11 લાખનો તોડકાંડ

ખેરાલુ: “રક્ષક જ ભક્ષક બની જાય તો એ પ્રજાની સલામતી માટે ચિંતાજનક છે.” આ ટિપ્પણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઇનીની ખંડપીઠની દ્વારા તારીખ12 સપ્ટેમ્બર, સોમવારે સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.

તારીખ 25 ઑગસ્ટ 2023ની મોડી રાતે શહેરના સાઉથ બોપલના રહેવાસી મિલન કેલા પોતાનાં પત્ની અને એક વર્ષના બાળક સાથે અમદાવાદ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી પોતાના નિવાસસ્થાન તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ઓગણજ ટોલનાકા આગળ તેમની ટેક્સીને રોકવામાં આવી અને બે કૉન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિઓની ટોળકીએ તેમની પાસેથી રૂપિયા 60 હજારનો તોડ કર્યો હતો.

હવે ખેરાલુમાં આવી જ બે અલગ-અલગ ઘટનાઓ ઘટી છે, જેમાં એક કેસમાં ખેરાલુ પોલીસે 11 લાખ રૂપિયાનું તોડપાણી કર્યાની ચર્ચા એકાદ-બે વ્યક્તિ નહીં પરંતુ ગામ આખું કરી રહ્યુ છે. તો બીજી ઘટનામાં ખેરાલુ પોલીસ બૂટલેગરો પાસેથી ત્રણ-ત્રણ લાખ રૂપિયા હપ્તા લેતા હોવાનો આરોપ લગાવતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો લોકલ યૂ-ટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ ખેરાલુમાં દારૂ સહિતના દૂષણો તો ખડે ચોક ચાલી રહ્યા છે. તે વાત સનાતન સત્ય છે. એક કોલ કરો અને દારૂ મેળવી લો… તો દેશી દારૂની તો વાત જ છોડી દો.. ખેરાલુ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ કથળી ગઈ છે.

કેમ કે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાની જવાબદારી જેના ઉપર છે, તેઓ પોતે જ કાયદાને હાથમાં લઈને વ્યવસ્થાના ચિથરા ઉડાવી રહ્યા છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને છે અને બદલાની ભવાના સાથે પોલીસ કર્મચારી કામ કરે છે ત્યારે તે સમાજ માટે ખુબ જ ખતરનાક બની બેસે છે. તેથી જ હાઇકોર્ટને કહેવું પડ્યું છે કે, રક્ષક જ ભક્ષક બની જાય તો એ પ્રજાની સલામતી માટે ચિંતાજનક છે…

60 હજાર રૂપિયાનો તોડકાંડ અંગે ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઇનીની ખંડપીઠ દ્વારા સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન “રક્ષક જ ભક્ષક બની જાય તેની ટિપ્પણી કરતાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અને IPCની જોગવાઈઓ હેઠળ બંને જવાબદાર પોલીસ કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.

તો હવે ખેરાલુના મલેકપુરમાં પોલીસે 11 લાખ રૂપિયાનો તોડ કર્યાની વાત સામે આવી રહી છે. રક્ષકોએ જ સામાન્ય વ્યક્તિઓના ઘરમાં ધાડ પાડી છે, તેવામાં હવે તો ગુંડાઓની જરૂરત નથી. કેમ કે હવે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ તોડકાંડ કરીને પોતાના ઘર જ ભરી રહી છે. મલેકપુરમાંથી પોલીસ દ્વારા કરેલા 11 લાખ રૂપિયાના તોડકાંડમાં ઉપલા અધિકારીઓ યોગ્ય દિશામાં કાર્યવાહી કરશે તો ચોક્કસ પ્રમાણે કેટલાક પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવી શકે છે.

આ અંગે કાયદાને હાથમાં લીધા વગર કાયદાકીય રીતે વધુ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. આ તોડકાંડ થયેલા પીડિતો સાથે વાત કરવાની અમારી ટીમે કોશિશ કરી હતી, પરંતુ તેમના ફોન નંબર બંધ આવી રહ્યા હોવાથી તેમના નિવેદન ટાંકી શકાયા નથી. જોકે, આગામી રિપોર્ટ સુધીમાં પીડિતોનો સંપર્ક શક્ય બનશે તો તેમનું નિવેદન ટાંકીને વિગતવાર માહિતી અંગેનો રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે.

આ તોડકાંડમાં કથિત રીતે ખેરાલુ પોલીસ સ્ટેશનના વહીવટદાર સહિત અન્ય બે કોન્સ્ટેબલ સામેલ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તો બીજી તરફ ખેરાલુ પોલીસ બૂટલેગરો પાસેથી ત્રણ-ત્રણ લાખ રૂપિયાના હપ્તા લઈને સામાજિક દૂષણને પ્રોત્સાહન આપી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે. તે અંગે પણ ગૃહખાતાએ તપાસ કરીને પોલીસ બેડાની બગડતી છબીને બચાવવા માટે તોડ અને હપ્તા લેતા પોલીસ અધિકારીઓ સામે કડક એક્શન લેવી જોઈએ.

તોડકાંડ જેવા કેસો સમાજ માટે ચિંતાજનક છે, જે સમાજમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. આ અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈનું નિવેદન લેવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેમનો પણ કોન્ટેક્ટ થઇ શક્યો નહતો. આગામી રિપોર્ટમાં પીડિતોની સાથે-સાથે ખેરાલુના નવનિયુક્ત પીઆઈનું પણ નિવેદન લેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, નાના ગામડાઓમાં થતાં તોડકાંડની માહિતી હાઇકોર્ટ સુધી પહોંચી રહી નથી. તેથી પોલીસ કર્મચારીઓને ખુલ્લો મેદાન મર્યો છે. જો આવા તોડકાંડ કરતાં પોલીસ કર્મચારીઓ પર નાથ વાળવામાં આવશે નહીં તો આગામી સમયમાં સૌથી મોટો કોઇ ગુંડ્ડો હશે તો પોલીસવાળાઓ જ હશે. તેનું નકારાત્મક ઉદાહરણ ખેરાલુ પોલીસે પુરૂ પાડ્યું છે.