વડનગર: વર્તમાન સમયમાં પૈસા કમાવવા સૌથી અઘરૂ કામ છે. કેમ કે માર્કેટમાં મંદીનો માહોલ છવાઇ ગયેલો છે. કોઈ નવો ધંધો શરૂ કરવો હોય તો પણ લોકો દસ વખત વિચાર કરે છે. કેમ કે મંદીના કારણે પૈસા બગડે અને ધંધો ચોપટ થવાનો સૌથી મોટો ડર રહેલો છે. પરંતુ આ મંદીમાં પણ વડનગર અને વિસનગરના કેટલાક લોકોના બંને હાથ ઘીમાં અને પગ ચાસણીની કઢાઇમાં છે.
જણાવી દઇએ કે, વડનગર-વિસનગરમાં મોટા-મોટા ખેલા થઈ રહ્યા છે. ડબ્બા ટ્રેડિંગના ધંધાનો એટલો તો મોટો વ્યાપ થઈ ગયો છે કે, કહેવું મુશ્કેલ પડી જશે કે કોણ કરે છે અને કોણ નથી કરતું? હાલમાં તો પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ છે. લોકલ ન્યૂઝ પેપરમાં ડબ્બા ટ્રેડિંગના હલ્લાના કારણે પોલીસ સક્રિય થઇ છે અને પ્રતદિવિસ કેસ પણ કરવા લાગી છે પરંતુ મોટા માથાઓને પકડવાની જગ્યાએ પોલીસ પણ તોડપાણી કરતા હોવાના સમાચારો પણ ચમકી રહ્યા છે.
તો આજે આપણે એક એવા ડબ્બા કિંગની વાત કરીશું કે જેણે ટૂંક જ સમયમાં મોટા પ્રમાણમાં પૈસા કમાઇ લીધા છે. મજૂરી કરતાં પિતાના દિકરાને હાથે પારસમણી લાગી ગઈ છે. તેથી તેણે એકાદ વર્ષમાં જ કરોડો રૂપિયા બનાવી લીધા છે.
અમે વાત કરી રહ્યા છીએ સુલીપુરના કાળુજી અનારજી ઠાકોરની કે જેણે ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગ કરીને અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની રોકડ એકઠી કરી નાંખી છે તો અન્ય કેટલીક પ્રોપર્ટી બનાવી લીધી છે. પરંતુ પોતાની હોશિયારીના કારણે પોલીસની પક્કડથી દૂર બનેલો છે.
આ ડબ્બા ટ્રેડિંગનો કિંગ સુલીપુર ગામનો રહેવાસી છે. તેમના પિતા ખેત મજૂર છે. તે ઉપરાંત તેમના પરિવારનો અન્ય કોઈ જ ધંધો પણ નથી. તો પછી કાળુજી પાસે કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી તે એક મોટો પ્રશ્ન છે. તો જણાવી દઇએ કે, થોડા સમય પહેલા કાળુજીએ ડબ્બા ટ્રેડિંગના ધંધામાં ઝંપલાવ્યું હતુ. થોડા જ સમયમાં કાળુજીને ડબ્બા ટ્રેડિંગના ધંધામાં સફળતા હાથ લાગી હતી. એકદમ ટૂંકા સમયમાં દેશવાસીઓને ચૂનો ચોપડવામાં કાળુજી સફળ રહ્યો હતો.
આ સફળતા પછી કાળુજીએ પોતાની જ ટીમો બેસાડવાનું શરૂ કરી દીધું. સુલીપુર સહિતના આસપાસના વિસ્તારોમાં તેઓ પોતાની ટીમો બેસાડી રહ્યો છે. તો આ કામમાં ફોર્ચ્યુનર લઈને ફરતો કનુજી તેને સાથ-સહકાર આપી રહ્યો છે. આ કનુજીએ વર્તમાન સમયમાં પોતાનું નામ પણ બદલી નાંખ્યુ છે. વડોદરા જેલની હવા ખાઇને આવનારા કનુજીએ એફિડેવિડ કરાવીને પોતાનું નામ બદલ્યુ છે.
એસીબી અને લોકલ પોલીસે કાળુજી અને તેમના સગાસંબંધીઓ અને મિત્રોને ત્યા સર્ચ ઓપરેશન શરૂ કરવો જોઈએ. તે ઉપરાંત કનુજી જેવા તેમના બિઝનેસ પાર્ટનરોને પણ સંકજામાં લેવા જોઈએ. ડબ્બા ટ્રેડિંગ કરાવવા માટે કાળુજી વર્તમાન સમયમાં પણ મસમોટી ટીમો બેસાડી રહ્યો છે.
વડનગરની યશ બેંકમાં પણ ડબ્બા ટ્રેડિંગના પૈસા આવતા હોવાની માહિતી સામે આવી છે. ફેક બેંક એકાઉન્ટ ઓપન કરાવીને તેમા પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવી રહ્યા છે. આ કામમાં બેંકના કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી રહી છે. એક મહિલા કર્મચારી બેંક બહાર સ્થળ ઉપર જઈને બેંક એકાઉન્ટ ઓપન કરતી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
કાળુજી જેવા ડબ્બા કિંગ સમાજના લોકોને ભ્રષ્ટ બનાવી રહ્યા છે. બેરોજગારીના સમયમાં પૈસાની લાલચ આપીને યુવકોને પોતાની ટીમમાં બેસાડવાનું કામ કાળુજી સહિતના અન્ય ડબ્બા કિંગ કરી રહ્યા છે. અન્ય રિપોર્ટમાં કાળુજી અને વડનગરની યશ બેંકમાં નકલી બેંક એકાઉન્ટ ખોલાવનારાઓ વિશે ખુલાસાઓ કરવામાં આવશે. તે ઉપરાંત બેંકના કર્મચારીઓ વિશે પણ ચોંકાવનારા ખુલાસા પુરાવાઓ સાથે કરવામાં આવશે.