રમશે સવાણી/કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય: મિત્રએ કહ્યું : “વડાપ્રધાન મંદિરે મંદિરે જઈને પૂજા કરે છે એટલે 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થશે. કોંગ્રેસે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વીકાર કર્યો એટલે ખરાબ રીતે હારશે !”
મેં કહ્યું : “મંદિરે જવાનો ઢોંગ જરુર કામ લાગશે ! પરંતુ વાસ્તવમાં તો મોંઘવારી/ બેરોજગારી વડાપ્રધાનને ફરી સત્તામાં લાવશે !”
મિત્ર મૂંઝાયો. તેણે પૂછ્યું : “તમે શું બોલી રહ્યા છો? મોંઘવારી/ બેરોજગારીના કારણે સત્તાપક્ષને વધુ મતો મળશે, એવું કઈ રીતે બને?”
મેં સમજાવ્યું : “દોસ્ત ! આફતમાં અવસર ! લોકો મોંઘવારી/ બેરોજગારીના કારણે હેરાનપરેશાન છે. ત્રાહિમામ છે. આવી સ્થિતિ વડાપ્રધાનની નિષ્ફળ નીતિઓના કારણે બની છે. વડાપ્રધાન આ સ્થિતિનો ફાયદો ઉઠાવે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ફાયદો ઉઠાવ્યો હતો. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ફાયદો ઊઠાવશે ! લોકોને બેરોજગારી/ મોંઘવારી કચડી રહી છે ત્યારે ગોદી મીડિયા લોકોને ધર્મનો નશો કરાવી ભ્રમિત કરે છે. લોકો જાગૃત ન થાય તે માટે ગોદી મીડિયા સતત ધર્મના મુદ્દાઓ ઉછાળે છે. નફરત પીરસે છે. હિન્દુ-મુસ્લિમ કરે છે !
મીડિયા વડાપ્રધાનને સવાલ કરવાને બદલે રાહુલ ગાંધીને સવાલ કરે છે ! આ માટે સરકાર રોજેરોજ કરોડો રુપિયા ખર્ચે છે. રાક્ષસી પ્રચારનો સામનો બેરોજગાર લોકો/ મોંઘવારી સહન કરતા લોકો કઈ રીતે કરી શકે? એટલે તો વડાપ્રધાન પૂરતી તકેદારી લે છે કે લોકો રોટલાની ચિંતામાંથી ઊંચા ન આવવા જોઈએ !”