મહેસાણા: વડનગરની યસ બેંકની બ્રાન્ચમાં ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદેસર રેકેટ ચલાવનારાઓ ડમી એકાઉન્ટ ખોલાવીને શેર માર્કેટના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા જિલ્લાના વિસનગર, વડનગર સહિતના તાલુકાઓમાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ મોટા પ્રમાણમાં ઘુસી ગયું છે. આ માટે ક્યાંકને ક્યાંક પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. પરંતુ આ બધા વચ્ચે યસ બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવવુ એક ગંભીર બાબત છે.
યસ બેંક ભારતની ચોથા નંબરની સૌથી મોટી પ્રાઇવેટ બેંક છે. એક વખત બેંક કરપ્ટ થઇ ચૂકેલી યસ બેંક પર લોકોએ માંડ-માંડ વિશ્વાસ દર્શાવ્યો છે, તેવામાં તેની બ્રાન્ચોમાં ડમી એકાઉન્ટ ખોલાવવામાં આવતા હોવાની માહિતી ચોંકાવનારી છે. ઉલ્લેખનિય છે કે, યસ બેંકની ક્રાઇસિસ વખતે કેન્દ્ર સરકારે એસબીઆઈને શેર ખરીદવાનું કહીને તેને બચાવી હતી. 28 જૂલાઇ 2020માં એસબીઆઈએ 30 ટકા શેર ખરીદીને યસ બેંકને દેવાળું ફૂકવાથી બચાવી લીધી હતી. હવે લોકો સાથે શેર માર્કેટના નામે થઇ રહેલી છેતરપિંડીમાં યસ બેંકની વડનગરની બ્રાન્ચ સાથ-સહકાર આપવામાં આવી રહ્યો છે.
ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદેસર રેકેટ ચલાવનારાઓ લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવી લેવા માટે ડમી એકાઉન્ટનો સહારો લઈ રહ્યા છે. આ ટોળકી દ્વારા ડમી એકાઉન્ટ ખોલાવવા માટે આસપાસના ગામડાઓના વિવિધ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. લોકો પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટ લઈને નવો બેંક ખાતું ખોલવામાં આવે છે. પરંતુ નવા બેંક એકાઉન્ટમાં મોબાઈલ નંબર ડમી આપવામાં આવે છે, તો બેંકની પાસ બુક, એટીએમ અને ચેકબુક પણ ટોળકી દ્વારા પોતાની પાસે રાખી લેવામાં આવે છે. તેથી પાછળથી કંઇ સમસ્યા આવે તો તેમના નામોનો ખુલાસો થઇ શકે નહીં અને સરળ રીતે તેઓ છટકી શકે.
આ ડમી ખાતા ખોલવાની તમામ પ્રક્રિયામાં ક્યાંકને ક્યાંક બેંકના કર્મચારીઓની મિલીભગત પણ સામે આવી રહી છે. કેમ કે, બેંકના કર્મચારીઓ સિવાય ડમી બેંક એકાઉન્ટ ઓપન કરવો શક્ય નથી. આ બાબતે એક વિશ્વસનિય સુત્ર પાસેથી મળેલા પુરાવા અને માહિતી અનુસાર, વડનગરની યસ બેંકની બ્રાન્ચમાં ડમી એકાઉન્ટ ઓપન કરવામાં આવી રહ્યા છે. આ બ્રાન્ચમાં અત્યાર સુધીમાં અનેક ડમી એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. બેંક કર્મચારી ડમી એકાઉન્ટ ઓપન કરવામાં મદદ કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
ડમી એકાઉન્ટ ઓપન કરવા માટે બેંક કર્મચારીઓને બેંકની બહાર જ બોલાવવામાં આવે છે. વડનગરમાં આવેલ તાના-રીરી તેમને પસંદગીનો સ્થળ છે. આ જગ્યાએ જઇને જ એકાંતમાં નકલી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યાની માહિતી પણ સામે આવી રહી છે. બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાથી બચવા માટે બેંક કર્મચારીઓને બહાર બોલાવવામાં આવે છે.
ડમી એકાઉન્ટનો કર્તા-હર્તા કોણ?
વડનગર સહિતના વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનું રેકેટ અનેક આરોપીઓ દ્વારા સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં મોટા માથાઓનો સમાવેશ થાય છે. વિસનગરના બે બુટલેગર ભાઇઓ અશોક અને વિક્રમ દ્વારા પણ મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચલાવવામાં આવે છે. તે ઉપરાંત અનિલ ઠાકોર, એન.એન ઠાકોર, વિક્કી ઠાકોર, ગોપાલ, ચેલાજી ઠાકોર સહિતના ડઝનેક આરોપીઓએ ડબ્બા ટ્રેડિંગના રેકેટ થકી અપ્રમાણસર મિલકત વસાવી લીધી છે.
આમાંથી મોટા ભાગના આરોપીઓએ વિસનગર છોડી દીધું છે. તો કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા આરોપીઓ વિસનગરમાં પોલીસના નાક નીચે દારૂ પણ વેચી રહ્યા છે અને ડબ્બા ટ્રેડિંગનું રેકેટ પણ કોઈ જ ડર વગર ચલાવી રહ્યા છે. હવે સ્ટેટ મોનિટરિંગ સેલ અને ઇન્કમટેક્સ,ઈડી જ તેમને જેલના સળીયા પાછળ ધકેલી શકે છે. તે માટે અમે અમારા રિપોર્ટને પ્રકાશિત કરવાની સાથે-સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સાથે પણ આરોપીઓની માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
સ્વભાવિક છે કે, કેટલીક એવી પણ માહિતી હોય જે સ્ટોરીમાં કવર કરી શકાય નહીં પરંતુ મૌખિક રીતે કોઈ તપાસ એજન્સી સુધી પહોંચાડી શકાય છે. દેશને લૂટનારાઓની ટોળકીને જેલના સળીયા પાછળ ધકેલવા માટે ગુજરાત ટાઇમ્સ24 સતત કામગીરી કરી રહી છે. આ બાબતે પાછલા ઘણા સમયથી અમારા રિપોર્ટર ગ્રાઉન્ટ પર ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચલાવનારાઓની માહિતી એકત્રિત કરી રહ્યા હતા.
અપ્રમાણસર મિલકત વસાવનારા તમામ આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં અમારા રિપોર્ટરને ઘણો સમય લાગ્યો હતો. અથાગ મહેનત અને મસક્ત પછી પ્રશંસનિય કામગીરી કરતાં અમારા રિપોર્ટરે અનેક ડબ્બા ટ્રેડિંગના આરોપીઓની માહિતી શોધી કાઢી છે. જેમાં વડનગરની યસ બેંકમાં કોણ ડમી એકાઉન્ટ ખોલાવી રહ્યું છે, તેની માહિતીનો પણ સમાવેશ થાય છે.
કોણ ખોલાવી રહ્યું છે ડમી એકાઉન્ટ
વડનગરની યસ બેંકની બ્રાન્ચમાં ડમી એકાઉન્ટ ત્રણ વ્યક્તિઓ દ્વારા ખોલાવવામાં આવી રહ્યા છે. આમાં નિલેશ ઠાકોર, સહદેવ ઠાકોર અને દિપક ઠાકોરની ત્રિપુટી યસ બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવી રહી છે. જણાવી દઇએ કે, આ ત્રણ લોકો અંતે તો ડબ્બા ટ્રેડિંગના અન્ય મોટા માફિયાઓ માટે જ કામ કરી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ડમી એકાઉન્ટમાં આવતા પૈસાને મેન માફિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. તે ઉપરાંત સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતા ડબ્બા ટ્રેડિંગના રેકેટનો જ એક ભાગ ડમી એકાઉન્ટ ખોલાવવાનો છે.
ડમી એકાઉન્ટ ખોલાવવાની જવાબદારી નિલેશ, સહદેવ અને દિપક ઉપર છે. તેઓ અલગ-અલગ ગામડાઓના વિવિધ જ્ઞાતિ-જાતિ, ધર્મના લોકોને ટાર્ગેટ બનાવીને તેમનું નકલી એકાઉન્ટ ખોલાવે છે. આ ડમી એકાઉન્ટના બદલામાં તેઓ તેમને પૈસા આપવાની લાલચ આપે છે. પરંતુ સાપનો સ્વભાવ ડંખ મારવાનો જ હોય છે, તેવી રીતે આરોપીઓની ફિતરત બધાને ચૂનો લગાવવાની જ હોય છે. આમ તેઓ જેમના નામનું ડમી એકાઉન્ટ ખોલાવે છે તેમના સાથે પણ છેતરપિંડી કરે છે.
આવા જ એક ડમી એકાઉન્ટ ખોલાવનારા એક ગ્રામીણ વ્યક્તિએ અમારા રિપોર્ટરનો સંપર્ક સાંધીને તમામ માહિતી આપી હતી. આ વ્યક્તિએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતુ કે, તેઓ અમારા નામનું બેંક એકાઉન્ટ ખોલાવીને તેમા લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરે છે. તેમાં બેંકના કર્મચારીઓ પણ તેમનો સાથ આપે છે. જ્યારે મને ખ્યાલ આવ્યો કે, આ તો લોકો સાથે છેતરપિંડી કરીને બે નંબરના પૈસા લાવે છે, ત્યારે મેં બેંક એકાઉન્ટ બંધ કરાવવાનું કહ્યું તો પણ મને ધમકાવવામાં આવ્યો અને કહ્યું કે, તું બેંક એકાઉન્ટ બંધ કરાવીશ તો પણ અમે વાપરતા જ રહીશું. અમારા બધા શેટિંગ છે. અમારા બેંક મેનેજર સહિત પોલીસ સુધીના શેટિંગ છે. અમે તને જ ફસાવી દઇશું. પીડિત વ્યક્તિએ પોતાના ઇમેલ આઈડીમાં પૈસાના ટ્રાન્જેક્શન સહિતના તમામ મેસેજ સુધીની માહિતી અમારા સાથે શેર કરી છે.
આમ આરોપીઓ દ્વારા પહેલા ગામડાના અભણ વ્યક્તિઓ પાસે અસત્ય બોલાવીને બેંક એકાઉન્ટ ખોલાવી લેવામાં આવે છે, પાછળથી ગેરકાયદેસર રીતે તે ખાતામાં પૈસા મંગાવવામાં આવે છે. અંતે બેંક એકાઉન્ટ ખોલાવનારને જ ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે. આમ ડબ્બા ટ્રેડિંગ ચલાવનારાઓ એક સાથે અનેક ક્રાઇમ કરી રહ્યા છે અને પોલીસ અજાણ છે. સ્વભાવિક છે કે, વડનગર-વિસનગરમાં અવાર-નવાર પોલીસ ડબ્બા ટ્રેડિંગના કેસ નોંધી રહી છે. પરંતુ મોટા માથાઓ પોલીસની પહોંચથી દૂર છે. જેઓ આવી તમામ રીતની એક સુવ્યવસ્થિત ચેન બનાવીને લોકો સાથે છેતરપિંડી કરીને લોકોને લૂંટી પણ રહ્યા છે અને ફસાવી પણ રહ્યા છે.
દેશની મોટામાં મોટી પ્રાઇવેટ બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવવા એક અતિ ગંભીર બાબત ગણી શકાય. પોલીસની સાથે-સાથે આરબીઆઈને પણ તપાસ કરવી જોઈએ. જો પોલીસ વ્યવસ્થિત તપાસ કરે તો એક મસમોટું રેકેટ સામે આવી શકે છે. તો આરબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો વડનગર સહિત વિસનગરની યસ બેંકની બ્રાન્ચમાં પણ અનેક ડમી એકાઉન્ટ મળી આવી શકે છે.
બેંક કર્મચારીઓ આરોપીઓનો સાથ આપી રહ્યા છે તે પણ ગંભીર બાબત છે. તેથી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ ગુજરાત ટાઇમ્સ24ના રિપોર્ટના આધારે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલીને ડબ્બા ટ્રેડિંગના રેકેટ સાથે જોડાયેલા મોટા માથાઓને જેલના સળીયા પાછળ ધકેલી શકાય છે.
આ પણ વાંચો–ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો; ભાજપે પાંચ આયાતી ઉમેદવારો ઉપર કેમ રમ્યો દાવ?