વિસનગરના ડબ્બા ટ્રેડિંગ કરતાં બે જૂથો વચ્ચે ધીંગાણું!! એક જૂથે આપી મર્ડર કરવાની ચિમકી

મહેસાણા-વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો પોતાની ચરમ ઉપર છે. પ્રતિદિવસ ડબ્બા ટ્રેડિંગના ધંધામાં અવનવા વ્યક્તિઓ જોડાઈ રહ્યા છે. મોટા-માથાથી માંડીને સામાન્ય લોકો પણ ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરીને પોતાને અમીર બનાવવાની કોશિશમાં લાગી ગયા છે. પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર તેવા આવી રહ્યા છે કે, ડબ્બા ટ્રેડિંગ કરનારા બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થાય તેવા સંકેત મળ્યા છે.

વાત જાણે એમ છે કે, ડબ્બા ટ્રેડિંગના જૂના જોગીઓ અને એક નવા પ્રતિસ્પર્ધી જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે. એક તરફ જૂના જોગીઓમાં અનિલ ઠાકોર, પ્રકાશ ઠાકોર એન્ડ કંપની છે. આ જૂથમાં ઓછામાં ઓછા દસથી વધારે વ્યક્તિઓ જોડાયેલા છે, જેઓ પાછલા ઘણા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે. આ ટૂકડી ઉપર કથાકથિત રીતે એક બીજેપીના લોકલ નેતાનો હાથ હોવાનું કહેવામાં આવે છે. તો તેમનો હરિફ જૂથ બૂટલેગરોનો છે. જે અત્યાર સુધી વિસનગર સહિતના આસપાસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ કરે છે. હાલમાં પણ મોટા પ્રમાણમાં દારૂનો ધંધો ધોકાર ચલાવી રહ્યો છે.

આ ટૂકડીમાં અશોક ઠાકોર અને વિક્રમ ઠાકોર મુખ્ય ભૂમિકામાં છે. વર્ષોથી વિસનગરમાં રહીને ખુલ્લેઆમ અંગ્રેજી દારૂનો વ્યાપાર કરતા બંને ભાઈઓની ટૂકડી પર લોકલ પોલીસે ક્યારેય હાથ નાંખ્યો નથી. કેમ કે આ બંને ભાઈઓ ઉપર કેન્દ્રિય મંત્રીનો હાથ હોવાની વાત ચર્ચામાં છે. આમ બંને જૂથ પર કથિત રીતે ક્યાંકને ક્યાંક સત્તાધારી નેતાઓનો હાથ છે. તેથી તેઓ ડર વગર ગેરકાયદેસરનો ધંધો કરી શકે છે. અનિલ-પ્રકાશ ઠાકોર પર નાના નેતાની છત્રછાયા છે તો અશોક-વિક્રમ પર કેન્દ્રિય લેવલ સુધી પહોંચેલા નેતાનો હાથ છે.

હવે આ બંને જૂથો વચ્ચે પાછલા ઘણા સમયથી ચકમક તો થઈ જ રહી હતી. પરંતુ આ ઘર્ષણ ખુબ જ આગળ વધી ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેમ કે, અનિલ ઠાકોરે સોશિયલ મીડિયામાં લાઈવ આવીને જગજાહેર રીતે બૂટલેગર અશોક ઠાકોરને સામી છાતીએ ગોળીઓ ધરબીને હત્યા કરવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મર્ડરની ધમકી આપવી નાની-સૂની વાત નથી. આ એક ગંભીર બાબત છે. અનિલે મર્ડરની ધમકી આપી હોવા છતાં વિક્રમ-અશોક જૂથના ગુનેગારોએ કોઈ કાયદાકીય પગલાભર્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા નથી.

જણાવી દઇએ કે, એકાદ વર્ષ પહેલા બૂટલેગર અશોક ઠાકોરે અનિલ ઠાકોરના પાર્ટનર અને મિત્ર એવા પ્રકાશ ઠાકોર ઉપર ધારદાર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન પ્રકાશ ઠાકોર ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે વડનગર સીવિલ હોસ્પિટલમાં ખેસડવો પડ્યો હતો. પરંતુ તે સમયે સમજાવટથી ઝગડાનો ઉકેલ લાવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, પ્રકાશ ઠાકોરના પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા સાથે સીધા જોડાણ છે.

ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર કામ કરતાં બંને જૂથો ઉપર ભારતીય જનતા પાર્ટીના અલગ-અલગ નેતાઓનો હાથ છે. તેથી પોલીસને પણ આવા આરોપીઓથી આંખ આડા કાન કરવા પડી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ પોતાના આર્થિક રોટવા શેકી રહી હોવાના કારણે અશોક અને વિક્રમ જેવા રિઢા આરોપીઓ ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધામાં એન્ટ્રી લઈ રહ્યા છે. જે સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

અનિલે જીવથી મારી નાંખવાની ધમકી કેમ આપી?

અનિલ ઠાકોરે સોશિયલ મીડિયા થકી અશોક ઠાકોરને જીવથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી આપ્યા પછી એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે, અનિલ ઠાકોરે પોતાના જ સમાજના અન્ય એક જૂથના વ્યક્તિને કેમ જીવથી મારી નાંખવાની ધમકી આપી છે?

કેમ કે એવું નથી કે, ડબ્બા ટ્રેડિંગનું કામ માત્ર અનિલ ઠાકોર કે વિક્રમ ઠાકોર જ કરી રહ્યા છે. મહેસાણાના વિસનગર-ખેરાલુ-સતલાસણા-વિજાપુર સહિતના વિસ્તારમાં અનેકવિધ લોકો ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદેસર કામ કરીને દેશભરના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેવામાં અનિલ ઠાકોર અને વિક્રમ ઠાકોર વચ્ચે જીવ લેવા સુધીનો રોષ કેમ ભભૂકી ઉઠ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

જીવથી ધમકી આપતી વખતે અનિલ ઠાકોરે પોતાના મિત્ર અને પોતાના કાળા કામના ધંધાકીય પાર્ટનર એવા પ્રકાશ ઠાકોરના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખેર, ઘણા પ્રશ્નો અને ઘણી બધી બાબતો એવી છે, જેમના પરથી સમાયાંતરે અમે પડદો ઉઠાવતા રહીશું… પરંતુ અંદરની એક વાત કહી દઇએ કે, અશોક અને વિક્રમ ઠાકોરે અનિલ-પ્રકાશ ઠાકોરના ડબ્બા ટ્રેડિંગના ચાલતા ગેરકાયદેસર ધંધામાં એન્ટ્રી કરીને તેમના પ્રોફેશનલ વ્યક્તિઓને પોતાની ટોળકીમાં કરી લીધા છે. તો અન્ય કાબેલ વ્યક્તિઓને પોતાની ટીમમાં લેવાની વેતરણમાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

જણાવી દઇએ કે, અશોક-વિક્રમ અને અનિલ-પ્રકાશના બંને જૂથોમાંથી એકપણ જૂથ દૂધે ધોયેલ નથી. બંને જૂથમાં રહેલા લોકો રિઢા ગુનેગારો છે. દેશના લોકોને લૂંટી રહ્યા છે. તેમાંય અશોક-વિક્રમ તો સમાજમાં દારૂનું સમાજિક દૂષણ ફેલાવનારા રાક્ષસો છે. તેઓ અન્ય બે નંબરના ધંધાઓમાં એન્ટ્રી કરી રહ્યા છે. જેવી રીતે ડબ્બા ટ્રેડિંગના ધંધામાં એન્ટ્રી કરી છે. તેવી જ રીતે આગામી સમયમાં ચરસ-ગાંજાના કાળાકામમાં પણ એન્ટ્રી કરે તો પણ નવાય નહીં.

આ પણ વાંચો-ગંભીર બાબત: વડનગર-વિસનગરની યસ બેંકની શાખામાં ખોલવામાં આવી રહ્યા છે ડમી બેંક એકાઉન્ટ