જુન મહિનામાં પણ ગરમીથી નહીં મળે રાહત: હવામાન વિભાગ

હવામાન ખાતાની આગાહી અનુસાર જુન મહિનામાં પણ કોઇ રાહત મળવાની સંભાવના નથી. મે મહિનામાં દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પાંચથી સાત દિવસ ગરમીના મોજાનો અનુભવ થયો હતો. આ સમયગાળા દરમ્યાન તાપમાન 44થી 48 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. આ વર્ષે જુનમાં પણ આ વિસ્તારોમાં ચારથી છ દિવસ ગરમીના મોજાનો અનુભવ થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાનને ગરમીના મોજાના નવથી બાર દિવસ અનુભવ થયો હતો. આ સમયગાળા દરમ્યાન બંને રાજ્યોમાં તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. દિલ્હીમાં તો તાપમાન બુધવારે વધીને ૫૨ ડિગ્રીનો આંક વટાવી ગયું હતું. સામાન્ય ચોમાસાની આગાહી હોવા છતાં જુન મહિનામાં પણ આ ગરમીથી રાહત મળે તેમ નથી.

જુન મહિનામાં ગરમીના મોજાના દિવસોની સંખ્યામાં વધારો થશે. પણ અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થોડી રાહત મળી શકે છે. આને કારણે વાયવ્ય ભારત અને હિમાલયના પશ્ચિમ હિસ્સામાં વાવાઝોડું આવી શકે છે. સામાન્ય રીતે જુન મહિનામાં બે-ત્રણ દિવસ ગરમીના મોજાનો અનુભવ થતો હોય છે પણ આ વર્ષે ચારથી છ દિવસ ગરમીના મોજાનો અનુભવ થવાની આગાહી છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર આ ગરમીના મોજાનો અનુભવ વિવિધ પરિબળોને કારણે થશે. આ પરિબળોમાં વરસાદનો અભાવ, સૂકા અને ગરમ પવના જોરથી ફૂંકાવા તથા વાયવ્ય રાજસ્થાન અને ગુજરાતમાં પવનોની દિશા વિપરીત હોવાનો સમાવેશ થાય છે.

રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 50 ડિગ્રી સુધી વધી ગયું છે. જે રાજ્યમાં પહેલી જુન 2019 બાદનું સર્વાધિક નોંધાયેલું તાપમાન છે. આસામ,હિમાચલ પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં પણ આકરી ગરમી પડી રહી છે. વધુમાં દેશના 150 મોટાં જળાશયોમાં ગરમીના મોજાના દિવસો વધવાને કારણે બાષ્પીભવન વધવાથી તેમાં હવે માંડ 24 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આને કારણે ઘણાં રાજ્યોમાં પાણીની તંગી ઉભી થઇ છે. પાણીનો જથ્થો ઘટી જવાથી હાઇડ્રોપાવર જનરેશનને પણ અસર થઇ છે.