કાળઝાળ ગરમીએ લોકોનું જીવન દોહિલુ બનાવી દીધું છે. 48 ડિગ્રીથી વધુ ગરમીમાં લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. અનેકને ચક્કર આવે છે અને માથું પકડીને બેસી જાય છે. આખા દિવસનું ગરમ વાતાવરણ મોડી રાત સુધી ઠંડુ થતું નથી. લોકો ઠંડા પવનની લહેરખી માટે ખુલ્લી જગ્યાઓ પર, બ્રિજ પર જઈને ઊભા રહે છે. કોઈ બરફના ગોળા ખાય છે, તો કોઇ શેરડીનો રસ પીને થોડીઘણી ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે.
સાંજે સાત વાગ્યા પછીની સ્વાભાવિક ઠંડક ગાયબ થઈ ગઈ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ભેજ તમામ વિસ્તારોમાં ગરમીની સ્થિતિને વધારે છે. હા, વહેલી સવારે સહેજ ઠંડક જણાય છે. સવારે 7 વાગ્યા સુધી ઠંડા પવનની લહેરખી પણ જોવા મળે છે.
મોડી રાત સુધી ઠંડક ન થવાનું કારણ કોન્ક્રીટનાં મકાનો અને ડામરના રોડ છે. દિલ્હી અને હૈદરાબાદમાં હવાના તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પણ તે બિનઅસરકારક સાબિત થઈ રહ્યો છે. મોટાં શહેરોમાં ઊંચી ઇમારતોના જમઘટને કોન્ક્રીટનાં જંગલો કહે છે. વૃક્ષોનાં જંગલો અને કોન્ક્રીટનાં જંગલોમાં આસમાન-જમીનનો ફર્ક છે. એક વરસાદને ખેંચે છે, તો બીજું ગરમી ખેંચે છે. વાતાવરણમાં વધતા ભેજનું સ્તર બફારો વધારે છે. ગરમી અને બફારો બંને માનવજીવનને ત્રસ્ત કરી નાખે છે.
ભારતના મેટ્રો સિટી અને અમદાવાદ જેવાં મોટાં શહેરો કોન્ક્રીટનાં જંગલોમાં ફેરવાઇ ગયાં છે. આ કોન્ક્રીટનાં જંગલો ગરમીમાં વધારો કરી રહ્યું છે અને રાત્રે પણ હવામાન ઠંડું પડતું નથી. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)ના નવા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે કે છ મહાનગરો – દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈ – સહિતનાં શહેરો માટે ઉનાળો ખતરનાર બની રહ્યો છે.
વધી રહેલા ભેજનું પ્રમાણ તમામ વિસ્તારોમાં ગરમીની સ્થિતિને વધારે છે, બેંગલુરુ સિવાય અન્ય પાંચ મહાનગરોમાં ઉનાળાનો સરેરાશ સાપેક્ષ ભેજ ૨૦૦૧-૨૦૧૦ની તુલનામાં 2014-2023માં પાંચથી 10 ટકા વધ્યો છે. વધતી ગરમીને નાથવા અનેક સંશોધનો ચાલી રહ્યાં છે. સૌ કોઈ હવામાં છોડાતા કાર્બનથી ચિંતિત છે, જ્યારે ભારે ગરમી ભારતના મોટા હિસ્સામાં લોકોના આરોગ્ય અને રોજગારને અસર કરી રહી છે. CSEના સંશોધનમાં જણાયું છે કે દિવસ અને રાત્રિના તાપમાનના બદલાતાં વલણ તેમજ ગરમી, ભેજ અને જમીનની સપાટીના તાપમાનનું વિશ્લેષણ કરીને તેનું મૂલ્યાંકન કરવું જોઇએ.
અતિશય ગરમી અને ભેજનો સામનો કરવો ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે તે માનવશરીરની મુખ્ય ઠંડકની પદ્ધતિ, એટલે કે પરસેવાને અસર કરી શકે છે. ત્વચામાંથી પરસેવાનું બાષ્પીભવન આપણા શરીરને ઠંડું કરે છે, પરંતુ ઉચ્ચ ભેજનું સ્તર આ કુદરતી ઠંડકને મર્યાદિત કરી નાખે છે, પરિણામે લોકો ગરમી અને બીમારીનો ભોગ બની શકે છે. સમસ્યા એ છે કે શહેરો રાત્રે પણ ઠંડકનો અનુભવ કરી શકતા નથી.
ગરમ રાત્રિઓ જો ખતરનાક હોય તો બપોરની મહત્તમ ગરમીનું તો પૂછવું જ શું. દિવસભર તાપમાન સતત ઊંચું રહે તો લોકોને રાત્રિ દરમ્યાન પણ ગરમીમાંથી બહાર આવવાની તક ઓછી મળે છે. માણસ કેટલું ઠંડુ પાણી પીવે? આખો દિવસ તે અકળામણ અનુભવે છે પરસેવાનો ઉકેલ શોધતો ફરે છે. દિલ્હીમાં બાવન ડિગ્રી ગરમીએ લોકોને ચીસ પડાવી દીધી છે. દિલ્હીમાં આ પ્રચંડ ગરમીની સાથે પાણીની અછત પણ ઊભી થઇ છે.પાણીનાં ટેન્કરો મર્યાદિત છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણીમાં વ્યસ્ત છે. કેટલાંય વિસ્તારોમાં પાણી ટેન્કરથી મોકલાય છે.
યમુના નદીનું જળસ્તર નીચું જવાથી સમસ્યા ખડી થઈ છે. જો બાવન ડિગ્રી ગરમી આગામી દિવસોમાં ચાલુ રહેશે તો પાણીની સમસ્યા ઔર વિકરાણ બનશે. દિલ્હી જેવી પાણીની અછતની સમસ્યા અનેક રાજ્યોમાં જોવા મળશે, કેમ કે વરસાદને હજુ દસેક દિવસની વાર છે.