સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતાં પુલની દુર્ઘટના, વડોદરાના હરણી બોટકૉડ બાદ રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડે રાજ્ય સરકારની પ્રતિષ્ઠા ખરડી દીધી છે. આમ જનતામાં એવો સૂર ઉઠ્યો છે કે, ગુજરાતની જનતાને સુરક્ષા આપવામાં સરકાર ઉણી ઉતરી છે.
કાયદામાં સુધારો કરવા સરકારની વિચારણા
હવે જયારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે ત્યારે રાજ્ય સરકાર આગામી દિવસોમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ- 2016 માં સુધારો કરવા જઈ રહી છે. એટલુ જ નહીં, જો આગ જેવી દુર્ઘટનામાં અધિકારીની લાપરવાહી કે બેદરકારી હશે તો સજાની કડક જોગવાઇ આવરી લેવા સાથે કાયદામાં સુધારો કરવા તજવીજ કરવામાં આવી રહી છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારના માથે માછલા ધોવાઈ રહ્યા છે. આ જોતાં ગુજરાત સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ- 2016માં ઘણાં સુધારા કરશે. જેમાં આગ સહિતની અન્ય દુર્ઘટનાઓનો સમાવેશ કરી લેવામાં આવશે.
ઉચ્ચ અધિકારીની બેદરકારી જણાશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે
રાજ્ય સરકાર હવે આ કાયદા હેઠળ કડક સજાની જોગવાઈ કરવા જઈ રહી છે. સામાન્ય રીતે આવી દુર્ઘટનામાં દર વખતે ઉચ્ચ અધિકારીઓ કોઈને કોઈ બહાના હેઠળ બચી જતાં હોય છે, પરિણામે સરકાર સામે ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે. જનતાની નારાજગીથી બચવા સરકાર હવે જવાબદાર ઉચ્ચ અધિકારીઓને પણ કાયદાની જોગવાઈઓ હેઠળ આવરી લેવા માંગે છે.
સૂત્રોના મતે, આગામી દિવસોમાં સરકાર કાયદામાં સુધારો કરી શકે છે. જેમકે, કોઈ આગ કે અન્ય કોઈ દુર્ઘટનામાં અધિકારીની બેદરકારી, નિયમ પાલન કરાવવામાં નિષ્ક્રિયતા કે સંડોવણી હોય તો કસૂરવાર સામે માત્ર શિક્ષાત્મક પગલાં જ નહીં, પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી કાયદામાં જોગવાઈ કરવામાં આવશે.
કોઇપણ કારણોસર છટકી જતાં ઉચ્ચ અધિકારીઓ પર હવે કાયદાનો સકંજો કસાશે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ પાટનગર ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. કાયદામાં સુધારો કરવા રાજ્ય સરકાર કાયદા નિષ્ણાતો પાસે કાનૂની અને વૈધાનિક માર્ગદર્શન મેળવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર હવે કોઈપણ ભોગે કડકાઈ દાખવવા માંગે છે કેમકે, કસૂરવાર પર કાયદાનો ખૌફ રહ્યો નથી. આ કારણોસર કાયદામાં કડક જોગવાઈઓ જરુરી છે.