રમેશ સવાણી: આપણે ત્યાં માણસ ઘણો સસ્તો છે. સુરતની તક્ષશીલા અગ્નિકાંડ હોય/ મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના હોય/ વડોદરા હોડી દુર્ઘટના હોય કે રાજકોટના ગેમ ઝોનની ઘટના હોય; નિર્દોષ લોકો ડૂબી મરે કે સળગી મરે તો સરકારને કંઈ ફરક પડતો નથી. સરકાર સંવેદનશીલતાનું નાટક ભજવે ! કોઈને છોડવામાં નહીં આવે એવો ગોકીરો કરે ! SITની રચના કરે. દેખાડા ખાતર સસ્પેન્શન/ ટ્રાન્સફરના પગલાં લેવાય. પછી સરકાર ભીંનુ સંકેલી લે ! લોકો ભૂલી જાય તે માટે સરકાર મંદિર નિર્માણની વાતો કરે. ‘જે રામને લાવ્યા, તેને લાવીશું’ તેવા સૂત્રો વહેતા મૂકે. ભેંસ/ મંગળસૂત્ર/ જાજા છોકરાવાળા-ઘૂસણખોર વગેરે નફરતી ગાંજાથી બહુમતી હિન્દુઓને નશો ચડાવે !
વિદેશમાં આવું થઈ શકે નહીં. 25 ઓક્ટોબર 2016ના રોજ, ઓસ્ટ્રેલિયાના ‘ડ્રીમવર્લ્ડ થીમ પાર્ક’માં ચાર પુખ્ત વયના લોકો અને બે બાળકો થંડર રિવર રેપિડ્સ રાઇડ પર હતા. રાઈડના અંત તરફ, એક પંપમાં ખામી સર્જાઈ અને તેના કારણે પાણીનું સ્તર ઘટી ગયું. આના કારણે તરાપો, એક ખાલી તરાપા સાથે અથડાયો અને મુસાફરો સાથેનો તરાપો પલટી ગયો. જેના કારણે Kate Goodchild/ Luke Dorsett/ Roozbeh Araghi/ Cindy Low ના સ્થળ પર મોત થયા, જ્યારે બે બાળકો બચી ગયા. આ દુર્ઘટના બાદ ચમરબંધીને છોડીશું નહીં, એવો ગોકીરો ન થયો ! 4 લાખની સહાયની જાહેરાત ન થઈ ! SITની રચના ન થઈ ! કોઈએ મગરના આંસુ ન પાડ્યા કે સંવેદનાનો દેખાડો ન કર્યો !
કોર્ટે 28 સપ્ટેમ્બર 2020ના રોજ, ચાર લોકોના મોત બદલ ‘ડ્રીમવર્લ્ડ થીમ પાર્ક’ના માલિકને 3.6 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો (રુપિયા 207,864,875) દંડ કર્યો ! આશ્ચર્યની બાબત એ હતી કે ‘ડ્રીમવર્લ્ડ થીમ પાર્ક’ના માલિકના હ્રદયમાં રામ વસેલો હતો એટલે તેમણે કોર્ટ સમક્ષ સલામતીના નિયમોના ભંગની બાબત સ્વીકારી લીધી ! શું આપણે ત્યાં મોરબી/ રાજકોટ/ વડોદરા/ સુરતની દુર્ઘટનામાં ભોગ બનેલ પરિવારને વ્યક્તિ દીઠ 5 કરોડથી વધુનું વળતર ચૂકવવા કોર્ટ હુકમ કરશે? સરકાર આવું વળતર પીડિતોને મળે તે માટે પ્રયત્ન કરશે? વિદેશમાં લોકો ધર્મઘેલાં નથી, પણ માણસાઈઘેલાં જરુર છે !