જે રામને છેતરી શકે તે લોકોને છેતરી ન શકે?

રમેશ સવાણી (પૂર્વ IPS અધિકારી): રાજકોટ ‘ગેમ ઝોન’માં 25 મે 2024ના રોજ તંત્રના પાપે આગ લાગી અને સરકારી આંકડા મુજબ 27 લોકો ક્ષણભરમાં કોલસો બની ગયા ! સરકાર માટે કાળી ટીલી જેવી આ ઘટના છે. લોકોમાં જબરજસ્ત આક્રોશ છે, પણ લાચાર છે, કેમકે એમણે જ આ પૂતળા સરકાર ચૂંટી છે !

હજુ 27 મી ડેડ બોડીની ઓળખ બાકી હતી ત્યારે રાજકોટમાં ભાજપના સંસદસભ્ય પરશોત્તમ રુપાલા, સંસદસભ્ય રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને મેયરે 29 મે 2024ના રોજ પત્રકાર પરિષદ યોજી. તેમાં ‘મહત્વની અને અગત્ય’ની જાહેરાત કરી કે “4 જૂન 2024ના રોજ લોકસભાની ચૂંટણીની મતગણતરી છે અને અમે રાજકોટમાં જીતનો ઉત્સવ મુલતવી રાખ્યો છે !”

આટલી જાહેરાત કરવા પત્રકાર પરિષદ યોજતા પત્રકારોએ ગેમ ઝોનની દુર્ઘટના માટે તંત્રના ક્યા ક્યા અધિકારીઓ અને પદાધિકારીઓ જવાબદાર છે તે અંગે પ્રશ્નો પૂછ્યા તો નેતાઓ ઊભા થઈને ચાલવા લાગ્યા !

‘આખા ગુજરાતને હચમાચી મૂકે તેવી આ દુર્ઘટના છે અને માત્ર રાજકોટમાં વિજય ઉત્સવ મુલતવી રાખવાનો શો અર્થ? મૃતકોમાં તો અન્ય જિલ્લાના પણ છે?’ પત્રકારોના આ પ્રશ્નનો જવાબ સંસદસભ્યો ગળી ગયા હતા ! આપણે આને લોકપ્રતિનિધિ કહીએ છીએ ! આને ‘લોકપ્રતિનિધિ’ નહીં પણ ‘લોકવિરોધી’ જ કહેવા પડે !

ગુજરાત અને ઉત્તર ભારતમાં સત્તાપક્ષનો વિજય નિશ્ચિત છે; કેમકે તેમણે ચૂંટણીમાં રામનો ઉપયોગ શરમ નેવે મૂકીને કર્યો છે. અદાણી/ અંબાણીના ટેમ્પા વાળા કાળા નાણાનો ભરપૂર ઉપયોગ કર્યો છે ! ઉપરાંત ચૂંટણીપંચ/ ડબલ એન્જિન વાળી સરકારોની પોલીસ/ CBI/ ED/ ITનો ભયંકર દુરુપયોગ કર્યો છે ! ગુંડાઓનો ઉપયોગ કર્યો છે. ઓકી શકાય તેટલું નફરતી ઝેર ઓક્યું છે. મોદીજી વડાપ્રધાન પદની ગરિમા અને મર્યાદાની તમામ સીમાઓ ઓળંગી ગયા છે ! દિગમ્બર થવાનું જ બાકી રાખ્યું છે ! કોર્પોરેટ કથાકારો/ બાપૂઓ/ મુનિઓ/ સ્વામીઓ/ મહારાજોને મત માટે ખૂબ ધૂણાવ્યા છે ! ગોદી મીડિયાએ મતદાનના દિવસે વડાપ્રધાનના સ્ક્રિપ્ટેડ ઈન્ટરવ્યુ લઈને અવતારી તરીકે આભામંડળ રચી દીધું હતું ! હવે છેલ્લા તબક્કાના મતદાન વેળાએ ધ્યાનમાં બેસી વિવેકાનંદના નામનો પણ દુરુપયોગ કરવાનું નક્કી કર્યું છે ! એટલે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનતા; મોંઘવારી/ બેરોજગારી/ કથળેલું સરકારી શિક્ષણ અને અતિ મોંઘું ખાનગી શિક્ષણ/ મહિલા અસુરક્ષા/ ડોલરના મુકાબલે રુપિયાનું અવમૂલ્યન/ વધતી ગરીબી/ લાચારી રોકી શકે તેમ નથી !

ટૂંકમાં, જે રામને છેતરી શકે તે લોકોને છેતરી ન શકે?