આ ‘ધ્યાન’ તો લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું છે !

રમેશ સવાણી (પૂર્વ IPS અધિકારી): વડાપ્રધાને 2019માં લોકસભા ચૂંટણી પ્રચાર બાદ કેદારનાથ ગુફામાં ધ્યાન લગાવ્યું હતું. હવે વડાપ્રધાન 30 મે 2024ની સાંજથી 1 જૂન 2024ની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાક રોકાશે અને ધ્યાન ધરશે ! તામિલનાડુના સત્તાપક્ષે ચૂંટણી આચાર સંહિતાના કારણે વડાપ્રધાનના આધ્યાત્મિક પ્રવાસનો વિરોધ નોંધાવ્યો છે. હાલ પ્રવાસની સીઝન છે તેથી સ્થાનિક અને વિદેશી પર્યટકોને મુશ્કેલી પડશે. દેશમાં લોકસભાના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ હશે ત્યારે મતદારો મોદીજીનો ધ્યાનમગ્ન ચહેરો ગોદી મીડિયામાં નિહાળી શકશે ! લોકતંત્રમાં આ પ્રકારના દર્શન કરી શકાય નહીં પરંતુ ચૂંટણીપંચ સત્તાપક્ષની પાંખની જેમ કામ કરતું હોવાથી મતદારોને ધ્યાનમગ્ન મોદીજીના દર્શન કરવાનો લ્હાવો મળશે !

થોડાં પ્રશ્નો : [1] વડાપ્રધાને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો કચરો કરી નાખ્યો છે. મંગળસૂત્ર/ ભેંસ/ ઝાઝા બાળકોવાળા ઘૂસણખોરો/ મુજરો વગેરે શબ્દાવલિઓનો ઉપયોગ કરનાર વડાપ્રધાન ધ્યાન કરી શકે ખરા? [2] શું વડાપ્રધાન ‘વિવેકાનંદ રોક મેમોરિયલ’ ખાતે ધ્યાન કરવા યોગ્યતા ધરાવે છે ખરા? વિવેકાનંદના વિચારો સાથે મોદીજીના કોઈ વિચારનો સાંધો મળે છે ખરો? વિવેકાનંદના ધાર્મિક વિચારો/ સામાજિક વિચારો RSSના ‘હિન્દુત્વ’થી અલગ છે. મોદીજીનું હિન્દુવ હિંસક/ કટ્ટર/ અસહિષ્ણુ/ સામંતી છે. વિવેકાનંદનો હિન્દુઘર્મ અહિંસક/ સહિષ્ણુ/ માનવીય/ ઉદાર/ વસુધૈવ કુટુમ્બકમના આદર્શવાળો છે. વિવેકાનંદ અને મોદીજીની વિચારધારામાં જમીન આસમાનનું અંતર છે ! વિવેકાનંદ પાખંડ અને કર્મકાંડના વિરોધી હતા. વિવેકાનંદે દલિત અને શ્રમિક વર્ગને સામાજિક ન્યાય આપવા પર ભાર મૂક્યો હતો. વિવેકાનંદ સાંપ્રદાયિકતા અને જાતીય નફરતના વિરોધી હતા. વિવેકાનંદે કહ્યું હતું : “ભારતમાં મુસ્લિમ વિજયે શોષિત/ દલિત/ કચડાયેલા અને ગરીબ લોકોને આઝાદીનો સ્વાદ ચખાડ્યો. એટલે દેશની વસતિનો પાંચમો ભાગ મુસ્લિમ બની ગયો. તલવાર અને જબરજસ્તીના કારણે હિન્દુઓનું ઈસલામમાં ધર્માંતર થયું; એમ વિચારવું પાગલપણ છે. સત્ય એ છે કે જે લોકોએ ઈસ્લામ અપનાવ્યો; તે જમીનદારો અને પુરોહિતોના શિકંજામાંથી મુક્ત થવા ઈચ્છતા હતા. બંગાળના ખેડૂતોમાં હિન્દુઓ કરતા મુસ્લિમોની સંખ્યા વધારે એટલે છે કે બંગાળમાં ઘણા બધાં જમીનદારો હતા !” (Selected Works of Swami Vivekanand, Vol.3, 12th edition, 1979. p.294) શું વિવેકાનંદની આ વાત RSS અને મોદીજી સ્વીકારશે?

[3] શું મોદીજી વિવેકાનંદ રોક મેમોરિયલનો ઉપયોગ પોતાની છબિ ચમકાવવા કરતા નથી? ‘ધ્યાન’ શબ્દનો ઉપયોગ પણ હિન્દુઓને ઠગવા માટે કરતા નથી? RSSની મોટી સમસ્યા એ છે કે તેમની પાસે પોતાનો એવો કોઈ નાયક નથી, જેની તેમના સંગઠન બહાર સ્વીકાર્યતા હોય ! એટલા માટે વિવેકાનંદ/ ભગતસિંહ/ સુભાષચંદ્ર બોઝ/ સરદાર પટેલ/ આંબેડકરનું અપહરણ કરેલ છે !

[4] વડાપ્રધાને 2019માં કેદારનાથ ગુફામાં ધ્યાન લગાવ્યું હતું તેથી દેશના નાગરિકોને કોઈ ફાયદો થયો? એ ધ્યાન પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા/ ડોલરના મુકાબલે રુપિયો ગગડી ગયો/ મોંઘવારી વધી/ બેરોજગારી અસહ્ય વધી/ નાગરિકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું/ સરકારી શાળાઓ બંધ થઈ/ સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ ઘટ્યો/ મણિપુર સળગ્યું/ મહિલાઓને નગ્ન કરી સરઘસો નિકળ્યા/ યૌન શોષણ કરનારાઓને છાવર્યા/ હત્યારા-બળાત્કારીઓના સ્વાગત થયાં ! ધ્યાનથી નથી દેશને ફાયદો થતો કે નથી ખુદ મોદીજીને ! કેમકે એ ધ્યાન પછી તો તેમણે હિન્દુઓના માનસમાં મુસ્લિમો પ્રત્યેની નફરત ઠાંસીઠાંસીને ભરી હતી ! બંધારણના આમુખમાં ‘બંધુત્વ’ શબ્દ લખ્યો છે, તેની હાલત તો દ્રોપદી જેવી જ કરી નાખી ! ધ્યાનના આવા નાટક શામાટે? વડાપ્રધાનની ફરજ નાગરિકોને સલામતી આપવાની છે કે 3000થી વધુ પોલીસની વચ્ચે ધ્યાન કરવાની છે? 3000 પોલીસ ઉપરાંત ભારતીય નૌસેના/ બોર્ડર સીક્યુરિટી ફોર્સ અને બીજી એન્જસીઓનો સમય બગડશે એનો વિચાર કરવાનો કે નહીં? કોઈ રાજા-મહારાજા/ બાદશાહે પણ આવી ઈવેન્ટ યોજી હશે ખરી?

[5] વડાપ્રધાન ધ્યાન કરી શકે, પણ ધ્યાનમાં બેઠા હોય ત્યારે કેમેરો સામે જ હોવો જોઈએ તેવો આગ્રહ શામાટે? એ ધ્યાનના દર્શન 140 કરોડ લોકોને પરાણે કરાવવાના? આ શું હિટલરી મનોવૃતિ નથી?

ટૂંકમાં, આ ‘ધ્યાન’ તો લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું નથી? સત્તાના સ્વાર્થનું નથી? ગંદા હેતુ માટેનું નથી? ધ્યાન જેવા આદરપાત્ર શબ્દને હલકો કરવાની આ ચેષ્ટા નથી?

છતાં આશા રાખીએ કે વડાપ્રધાન વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાનમાં બેસી અદાણી/અંબાણીના વિકાસની સાથે દેશના નાગરિકોના વિકાસ વિશે મનન કરે, આત્મખોજ કરે ! અને મંગળસૂત્ર/ ભેંસ/ જાજા બાળકોવાળા ઘૂસણખોરો/ મુજરા વગેરે માનસિકતામાંથી બહાર આવી જાય ! વિવેકાનંદના નામનો ઉપયોગ કરવાને બદલે તેમના વિચારોને અમલમાં મૂકે