ત્રીજી વખત પીએમ બનતા જ મોદીએ ખેડૂતોની ફાઈલ પર કરી સહી

ત્રીજી વખત સતત વડાપ્રધાન પદના શપથ લીધાના એક દિવસ પછી જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઇને મોટો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કિસાન સમ્માન નિધિનો હપ્તો જાહેર કરવાની ફાઇલ પર સહી કરી છે. આ ફાઇલ પીએમ કિસાન નિધિ સમ્માન યોજના સાથે જોડાયેલી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂત કલ્યાણ પ્રત્યે પુરી રીતે સમર્પિત છે.

પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવાની ફાઇલ પર સહી કરી છે. 9.3 કરોડ ખેડૂતોને લાભ થશે અને લગભગ 20 હજાર કરોડ રુપિયા ફાળવવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાને 1 ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા લાભાર્તી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. 2000 રૂપિયાની રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે જે સીધા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. શરૂઆતમાં આ યોજના અંતર્ગત રકમનો લાભ 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને જ મળતો હતો પરંતુ હવે દેશના તમામ ખેડૂત પીએમ સમ્માન કિસાન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

અત્યાર સુધી કિસાન સમ્માન નિધિના 16 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. 16મો હપ્તો પીએમ મોદીએ આ વર્ષે 29 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના યવતમાલથી 9.09 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. પીએમ-કિસાનનો 16મો હપ્તો મેળવનારા 9.09 કરોડ ખેડૂતોમાંથી સૌથી વધુ 2.03 કરોડ ખેડૂત ઉત્તર પ્રદેશના છે. તે બાદ મહારાષ્ટ્ર (89.66 લાખ), મધ્ય પ્રદેશ (79.93 લાખ), બિહાર (75.79 લાખ) અને રાજસ્થાન (62.66 લાખ)ના ખેડૂત સામેલ છે.