જૂનાગઢ મનપાના અધિકારીને મહિલાએ વીડિયો કોલ કરી ફસાવ્યો; દુષ્કર્મની ધમકી આપી 20 લાખ માંગ્યા

જૂનાગઢ મહાનગરપાલિકાના એક અધિકારીને દુષ્કર્મની ધમકી આપી પૈસા પડાવવા માટેનો કારસો રચવામાં આવ્યો હતો. આ અધિકારીએ દુષ્કર્મની ધમકીથી ડર્યા વગર મહિલા સામે બ્લેકમેઈલની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની એક મહિલાએ જૂનાગઢ મહાનગર પાલિકાના અધિકારી સાથે ઓળખાણ કરીને પોતાના આધાર કાર્ડ તેમજ બીજા સરકારી કામોમાં મદદ કરવાનું કહી સંબંધ કેળવ્યો હતો.

મહિલાએ અધિકારીને કપડા ઉતારવાનું કહ્યું
આ મહિલાએ મનપાના અધિકારીને ચામડીનો રોગ હોય જેથી તેના રોગની દવા તથા દેશી ઓસડીયા આપવાનું કહી વીડિયો કોલ કર્યો હતો. ચામડીનો રોગ જોવા માટે મહિલાએ અધિકારીને કપડા ઉતારવાનું કહ્યું અને નગ્ન હાલતમાં શરીર પર ક્યાં રોગ થયો છે, તે દેખાડવા કહ્યું હતું. આમ નગ્ન વીડિયોનું મહિલાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડીંગ કરી લીધુ હતું.

અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી
આ મહિલા કામના બહાને મહાનગરપાલિકાની કચેરી ખાતે અધિકારીને મળવા આવી હતી. આ ઘટનાના થોડાક દિવસ પછી જેતલસરની મહિલા પોલીસ સ્ટેશને પહોંચીને અને મનપાના અધિકારી વિરુદ્ધ અરજી આપી કે અધિકારીએ તેમની ચેમ્બરમાં બે વખત દુષ્કર્મ તેમજ નગ્ન થઈ વીડિયો કોલથી વાત કર્યાની અરજી આપી હતી.

ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકીને માંગ્યા 20 લાખ
આ મામલે સમાધાન કરવા માટે અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા તેમજ મહિલાએ પોતે રૂબરૂ અધિકારી પાસે પ્રથમ 14 લાખ તે બાદ 30 લાખની માંગણી કરીને અધિકારીને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી, પરંતુ અધિકારીએ તેમને એકપણ રૂપિયો આપ્યો નહી. જેથી છેલ્લે સમાધાન પેટે બળજબરીથી 20 લાખ કઢાવવાનો પ્રયાસ કર્યો હતો.