ગુજરાત ભાજપમાં ફેરફાર થવાના સંકેત; પાટિલ રહ્યાં નિષ્ફળ!!!

ગાંધીનગર: એનડીએ ગઠબંધનના પ્રધાનમંડળમાં સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન અપાયુ છે ત્યારે હવે ગમે તે સમયે ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. પાટીલની દિલ્હી વિદાય બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂ થઇ છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ભાજપ ધાર્યુ પરિણામ મેળવી શકી નથી. આંતરિક જૂથવાદને કારણે જ મોટાભાગના જીલ્લાઓમાં પાંચ લાખની લીડનો લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો નથી. એટલુ જ નહીં, કોંગ્રેસનો જનાધાર વધ્યો છે.

ગોરધન ઝડફિયાને મળી શકે છે નવી જવાબદારી

કોંગ્રેસનો વોટશેર વધ્યો છે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. એક તરફ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું સપનુ ભાજપનું રોળાયુ છે. સાથે સાથે દસ વર્ષ બાદ બનાસકાંઠાની બેઠક ગુમાવતાં ભાજપ હાઇકમાન્ડ ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી ખફા છે. દિલ્હીમાં શપથવિધિ પૂર્ણ થઇ છે ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારો વધુ સંભવ બન્યાં છે. હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સ્થાને ઓબીસી સમાજમાંથી કોઈ નવા નેતાની પસંદગી થવાની અટકળો વહેતી થઈ છે. ગોરધન ઝડફિયાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ ટોચ પર ચાલી રહ્યું છે.

આ ઉપરાંત વડોદરા, મોરબી અને રાજકોટમાં બનેલી દુર્ઘટનાઓના પગલે સરકાર અને સંગઠનની છાપ ખરડાઇ છે, જેના પગલે ભાજપ હાઈકમાન્ડ હવે આકરા પગલા ભરે તો નવાઈ પામવા જેવું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ઢીલા પડી રહ્યા છે એટલું જ નહીં સરકારી બાબુઓ તથા સંગઠનના નેતાઓના ભ્રષ્ટાચાર પર કોઈ કાબુ નથી. આમેય, સી.આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પૂર્ણ થઇ છે, એટલે આખોય મામલો હાઇકમાન્ડ પર છોડી દેવાયો છે. રાજ્ય એકમના સંગઠનમાં ત્રણેક હોદ્દેદારોના રાજીનામા પછી ત્યારે ફેરફાર ઇચ્છનિય હતો પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે નવી નિયુક્તિઓ થઇ શકી નથી. હવે પ્રદેશ પ્રવક્તાથી માંડીને આખાય માળખામાં ધરખમ ફેરફાર થશે. માત્ર હોદ્દા ભોગવનારાંઓને ઘરનો માર્ગ દેખાડી દેવાશે તે નક્કી છે.