વિસનગર: યુવતીને લગ્નની લાલચ આપીને યુવકે આચર્યું દૂષ્કર્મ

મહેસાણા: વિસનગરની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આટલું જ નહીં, યુવતીએ બીજે સગાઈ માટે યુવક જોવાનું શરૂ કરતાં પ્રેમીએ અંગત પળોના ફોટા પ્રેમિકાની માતાને મોકલી વાયરલ કરવાની ધમકી આપી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિસનગરની 20 વર્ષીય યુવતી આજથી દોઢેક વર્ષ અગાઉ કાંસા વિસ્તારમાં રહેતા વિશાલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. વિશાલની બેઠક યુવતીના ઘર નજીક હોવાથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

દોઢ વર્ષ અગાઉ વિશાલે યુવતીને પોતાના માતા-પિતા તેને મળવા માંગતા હોવાનું કહીને ઘરે બોલાવી હતી. જ્યા યુવકે એકલતાનો લાભ ઉઠાવી યુવતીને રૂમમાં ખેંચી લઈને તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યા હતા.

જે બાદ વિશાલે યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપીને અવારનવાર પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. જો કે જ્યારે યુવતી લગ્નની વાત કરતી, ત્યારે વિશાલ ગમે તેમ કરીને વાતને ટાળતો હતો. આખરે કંટાળીને યુવતીના પરિવારજનોએ બીજે સબંધ જોવાનું શરૂ કર્યું હતુ.

આ બાબતની જાણ થતાં વિશાલે બન્નેના અંગતપળોના ફોટા યુવતીની માતાને મોબાઈલમાં મોકલ્યા હતા. આ સાથે જ જો યુવતીના બીજે લગ્ન કરશો તો ફોટા વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને યુવતીએ વિસનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.