બનાસકાંઠા: પાલનપુરમાં ફાટી નિકળેલા રોગચાળાની જવાબદારી કોણ લેશે?

પાલનપુર: પાલનપુરમાં પાછળા કેટલાક દિવસથી કોટ અંદરના વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. આ રોગચાળો ફાટી નિકળ્યો તેના પાછળ જવાબદાર કોણ છે? આ એક યક્ષ પ્રશ્ન છે. કેમ કે જવાબદાર લોકો પોતાની જવાબદારી યોગ્ય રીતે ઉઠાવતા ન હોવાના કારણે જ અંતે ગરીબ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

પાલનપુરના કોટ વિસ્તારમાં વધુ 19 ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેથી સફાળું જાગેલું તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે કોટ અંદરના વિસ્તારમાં પાણીના ટેન્કરનો રિપોર્ટ નેગેટિ વ આવ્યો હોવાની પણ અહેવાલ મળી રહ્યો છે. તેમજ ટેન્કરોમાં પણ દુષિત પાણી આવતું હોવાનો ખુલાસો થયો છે.

મળી રહેલી માહિતી અનુસાર પાલનપુરના કોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ટેન્કર રોકાવી પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલોને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેથી બાદમાં માલુમ પડ્યું હતું કે ટેન્કરોમા આવતું પાણી દુષિત છે. આરોગ્ય વિભાગે ટેન્કરમાં ક્લોરીનેશનેનની પ્રક્રિયા અને બોરસીલ કરવા કવાયત હાથ ધરી હતી. નોંધનીય છે કે કોટ અંદરના વિસ્તારમાં લગ્ન પ્રસંગે પાણીનું ટેન્કર લવાતું હતું.

આ સિવાય ખાનગી બોરમાં પણ દુષિત પાણી આવી રહ્યું છે. જોકે,આરોગ્ય વિભાગની તપાસમાં પાણીનું સેમ્પલ ફેલ થયું હતું. કોલેરાને નિયંત્રણમાં લેવા માટે રાજગઢી ટાંકીનું પાણી તંત્રએ બંધ કર્યું છે. તેમજ શહેરમાં ઠંડા પીણા સહિ ત અન્ય વસ્તુઓ બંધ કર્યા છતાં પણ કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ સિવાય વિસ્તારમાં તંત્રની અલગ અલગ ટીમો મુકાઈ છતાં ગંદકી યથાવત છે.

પ્રતિદિવસ પાલનપુરના કોટ વિસ્તારમાં વધતા કેસોને લઇ શહેરીજનો ચિંતામાં મૂકાયા છે.ઉલ્લેખલેનીય છે કે બનાસકાંઠાના કલેક્ટલેરે પાલનપુરના કોટ વિસ્તારના 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરીને જાહેરનામું બહાર પાડ્યું છે.

જણાવી દઇએ કે, 3 જૂને 30 જેટલા લોકો સારવાર હેઠળ હતા . અત્યારે 150થી વધારે લોકોને અસર થઈ ચૂકી છે, પરંતુ કોઈ જવાબદારી લેવાવાળું કોઈ દેખાઈ રહ્યું નથી. સત્તાવાર રીતે એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે. હવે કોલેરાના કારણે જે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેને કોણ ન્યાય અપાવશે. શું પાલનપુર નગરપાલિકા પોતાની બેદરકારી સ્વીકારશે? શું બનાસકાંઠાના ક્લેક્ટર મૃત વ્યક્તિને ન્યાય અપાવવા માટે પગલા ભરશે? શું ક્લેક્ટર નગરપાલિકાના અધિકારીઓ પાસે એક વ્યક્તિના મૃત્યુને લઈને જવાબ માંગશે?

ખેર, આ તમામ બાબતો વચ્ચે જવાબદારી લેવાવાળું કોઈ જ દેખાઈ રહ્યું નથી. તેથી જનતાને જાગૃત થઇને પોતાના અધિકારો અને હક્કો માટે લડવું રહ્યું. ક્લેક્ટરથી લઈને નગરપાલિકાના સત્તાધીશો પાસે જવાબ માંગવામાં આવશે તો જ તેઓ પોતાની જવાબદારી સારી રીતે વહન કરશે. તેથી પાલનપુરની જનતા જર્નાદને જ કામ હાથમાં લેવું પડશે.

જ્યારે ત્રણ જૂને રોગચાળો ફેલાવવાના સંકેત મળ્યા હતા તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. ન્યૂઝ કેપિટલ નામની એક ન્યૂઝ ચેનલે તો કોટ વિસ્તારમાં રોગચાળો ફેલાશે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી. તે છતાં પણ તંત્ર ઉંઘતું રહ્યું હતું. તેનાથી મોટી બેદરકારી કોણ કહેવાય? તેથી નગરપાલિકાની બેદરકારીના કારણે કોટ વિસ્તારમાં રોગચાળો વકર્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, 150થી વધુ લોકો સારવાર હેઠળ છે. જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા હોવાના બિનસત્તાવાર સમાચાર સામે આવી રહ્યા છે. મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાયા પછી પાલનપુર નગરપાલિકા સફાળી જાગી છે. હવે નગરપાલિકાએ કોટ વિસ્તારમાં સફાઇ કામગીરી હાથ ધરી છે.

સ્થાનિકો રોગચાળા પાછળ ક્યાંકને ક્યાંક નગરપાલિકાની નિષ્ક્રિયતાને પણ જવાબદાર ગણે છે. કેમ કે અહીં વર્ષોથી સાફ-સફાઈ માટે રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ જ યોગ્ય પગલા ભરવામાં આવ્યા નહતા. જેથી વર્તમાન સમયમાં પાલનપુરના 16 જેટલા વિસ્તારોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

પાલનપુરના માલણ રોડ ઉપર આવેલા ડમ્પિંગ સાઇટ પણ રહેણાક વિસ્તારની નજીક હોવાના કારણે તેને હટાવવા માટે અત્યાર સુધી અનેક અરજીઓ કરવામાં આવી છે. પરંતુ પાલનપુર નગરપાલિકા જાણે કૂંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, આજથી આઠ મહિના પહેલા કચરાના ઢગલાને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રિસાયકલિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કામ કાચબાની ગતિએ કરવામાં આવી રહ્યું હોવાના કારણે ઢગલો પ્રતિદિવસ ડૂંગળનો સ્વરૂપ લઈ રહ્યો છે તો આસપાસના રહિશો દૂર્ગંધથી હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. તો બીજી તરફ રહેણાક વિસ્તારને અડીંને આવેલ ડમ્પિંગ સાઇડના કારણે ભવિષ્યમાં કોઈ રોગચાળો ફેલાય તો તેની જવાબદારી પાલનપુર નગરપાલિકા લેશે ખરી?

કેમ કે ગુજરાતમાં જ્યારે કોઈ હોનારત સર્જાય છે તો ગરીબોને જીવ ખોવાનો વારો આવે છે અને મોટા માથાઓ છટકી જાય છે પરંતુ નીચલા અધિકારીઓ તેના ભોગ બનતા હોય છે. તો પાલનપુરમાં ડમ્પિંગ સાઇડના કારણે ન કરે નારાયણને ભવિષ્યમાં કોઈ જીવલેણ બિમારી ફેલાય છે તો તેની જવાબદારી પણ લેવા માટે અધિકારીઓને તૈયાર રહેવું જોઈએ.