શું પાલનપુર નગરપાલિકાના કર્મચારીઓ બહેરા-મૂંગા છે?

પાલનપુર કોટ વિસ્તારમાં કોલેરા સહિતના રોગચાળાએ ભરડો લીધો છે. અત્યાર સુધી ચાર લોકોના મોત નિપજ્યા હોવા છતાં પાલનપુર નગરપાલિકાના કર્મચારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નહોવાના આરોપો થઈ રહ્યા છે. કોટ વિસ્તારના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે, આ વિસ્તારમાં ગંદકીની સાફ-સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરાવવામાં લીલીયાવાડી કરાવવામાં આવી રહી છે.

પાછલા ઘણા સમયથી પાલનપુરના કોટ વિસ્તારમાં લોકોના જીવ જઈ રહ્યા હોવા છતાં નગરપાલિકા દ્વારા સાફ-સફાઇની ચૂસ્ત રીતે કામગીરી કરી નથી. કેમ કે આજે એટલે 12 જૂનના રોજ કોટ વિસ્તારમાં ગટરોના પાણી ઉભરાઇને રસ્તાઓ ઉપર આવી ગયા હતા. સ્થાનિકો દ્વારા જાણ કરવા છતાં નગરપાલિકા દ્વારા એકપણ સફાઈ કર્મચારીને મોકલ્યો નહતો. એક તરફ પાલનપુર નગરપાલિકા સાફ-સફાઈ કરવાના દાવા કરી રહી છે પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રમાણે નગરપાલિકાના તમામ દાવા પોકલ સાબિત થયા છે. કોટ વિસ્તારના અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં પાલનપુરમાં રોગચાળાનો વિસ્ફોટ થઈ શકે છે.

આ અંગે પાલનપુર ક્લેક્ટર વરૂણકુમાર બરનવાલે ઝડપીમાં ઝડપી કાર્યવાહી કરીને કોટ વિસ્તારના લોકોના જીવ ઉપર તોળાઇ રહેલા ખતરાને ઓછો કરવાની પુષ્ટી કરવી જોઈએ. કેમ કે નગરપાલિકાના કર્મચારીઓ પાસે કોઈ જવાબ માંગવાવાળો નહોવાના કારણે તેઓ પોતાની મસ્તીમાં જીવન જીવી રહ્યા છે તો બીજી તરફ પાલનપુરમાં પ્રતિદિવસ કોલેરા અને ઝાડા ઉલ્ટીના કેસ નોંધાઈ રહ્યા છે.

પાલનપુર કોટ અંદરના ખાસદારફળીમાં ઝાડા ઉલટીથી વધુ એક મહિલાનું મોત થયું હતુ. જેને આરોગ્ય વિભાગ ઝાડા ઉલટી દરમિયાન બ્રેઇન હેમરેજથી મોત થયું હોવાનું જણાવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે મંગળવારે આ વિસ્તારમાં વધુ બે ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા. જેની સાથે કુલ ઝાડા ઉલટીના કેસની સંખ્યા 236 થઇ છે. જે પૈકી 10 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.

પાલનપુર કોટ અંદરના ખાસદારફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હીગેટ, પથ્થર સડક, અંબરકુવા, જૂનો અંબબકુવો, ઝાંઝર સોસાયટીની આજુબાજુનો બે કિલોમીટરના વિસ્તારને કોલેરા મુકત બનાવવા માટે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

જ્યાં ઝાડા ઉલટીથી વધુ એક મહિલાનું મોત થયું હતુ. સ્થાનિક રહિશ અને બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન સાજીદભાઇ મકરાણીએ જણાવ્યુ હતુ કે, ખાસદારફળીમાં રહેતા મેહરાજબાનુ ફારૂકભાઇ વાઘેલા ( ઉ.વ.45)ને ઝાડા ઉલટી જતાં પાલનપુર સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી ઘરે લાવ્યા બાદ મોત થયું હતુ.

આ અંગે જિલ્લા એપેડેમીક ઓફિસર ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતુ કે, મહિલાનું મોત બ્રેઇન હેમરેજથી થયું છે. જેન ઝાડા ઉલટી થયેલા હતા. આ દરમિયાન મંગળવારે ઝાડા ઉલટીના વધુ 2 કેસો નોંધાયા છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 236 ઝાડા-ઉલટી, 2 કોલેરાના કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલટીથી સત્તાવાર 1 મોત તેમજ શંકાસ્પદ 3 મળી કુલ 4 વ્યકિતઓના મોત થયા છે. આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનીલ જોષીએ જણાવ્યું કે, વર્તમાન સમયે ઝાડા ઉલટીના 10 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

બીજી બાજુ કેસ ઓછા થતાં આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો હોઇ મંગળવારે સર્વેની ટીમના કર્મચારીઓને રજા આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

 નાની બજાર વિસ્તારમાં મંગળવારની વહેલી સવારે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારને જિલ્લા કલેકટરે કોલેરાગ્રસ્ત જાહેર કરેલો છે છતાં પણ વહેલી સવારથી જ નાની બજાર વિસ્તારની ગટરો સફાઈ ન થવાના કારણે ઉભરાઈ ગઈ હતી. નગરપાલિકાના અધિકારીઓ હજું પણ નિદ્રામાં છે.

નગરપાલિકામાં બે વખત તો જાણ કરવા છતાં 12 વાગ્યા સુધી આ વિસ્તારમાં નગરપાલિકાનું કોઈ કર્મચારી કે સફાઈ કામદાર સાફ-સફાઈ કરવા માટે આવ્યો નહતો. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા પછી અત્યાર સુધી ચારથી વધુ લોકોના મૃત્યુ થયા છે છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. અમારા વિસ્તારની ગટરની સફાઈ કરવામાં આવતી નથી. મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્રએ ખાસ ધ્યાન આપીને આ વિસ્તારને બચાવવો જોઈએ.

સરકારને કોણ કહેશે કે મૃતકોને વળતર આપો

ક્લેક્ટર વરૂણકુમાર બરનવાલે મૃતક પરિવાર થકી સરકારમાં વળતર આપવાની માગણી કરવામાં આવે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે પરંતુ સાજિદ મકરાણીએ જિલ્લા ક્લેક્ટર, આરોગ્ય વિભાગને ગુજરાત સરકાર સામે મૃતક પરિવારોને વળતર આપવામાં આવે તેવી અપીલ કરવાની માંગ કરી છે.