ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત યુવક પર કરેલા હુમલાને લઈ વિવાદ વકર્યો છે. દલિત સમાજની ગોંડલમાં રેલી કાઢવાના આયોજનને લઈ ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.તો બીજી તરફ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જઢ બંધ રહેશે. જેને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધારાસભ્યના પુત્ર ગણેશના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહેશે. માર્કેટ યાર્ડમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એક બે નહીં પરંતુ પાંચ જિલ્લાની પોલીસને કામે લગાવવામાં આવી
દલિત સમાજના લોકો જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢીને હુમલાનો વિરોધ નોંધાવશે. આ વિરોધને જોતા અન્ય કોઈ દૂર્ઘટના સર્જાય નહીં તેને જોતા ગોંડલમાં પાંચ જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 4 DYSP, 11 PI સહિત 400 પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.
દલિત યુવક સાથે થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત
જુનાગઢના NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપરહણ કર્યા બાદ માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના પછી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલના ધારાસભ્યના દિકરા સામે કાર્યવાહી કરવા અને પીડિતને ન્યાય અપાવવા માટે દલિત સમાજે મોટા પ્રમાણમાં રેલી કાઢવાનો નિર્ણય કર્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.