કુવૈત: બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા 41 લોકોના મોત; 10થી વધુ ભારતીય

કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 41 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 10થી વધારે ભારતીય લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ મૃતકોમાં 5 કેરળના રહેવાસી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ 6 વાગે થઈ હતી.

આગ એકદમ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, “કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોનાં મોત થયા છે. અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા, તેમના પ્રત્યે મારી સંવેદના છે.”