મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયો ગબડી નવા તળિયે ઉતરી ગયો હતો. શેરબજારમાં પીછેહટ તથા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેસમાં આગેકૂચ વચ્ચે રૂપિયા પર નેગેટીવ અસર દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૩.૫૨ વાળા આજે સવારે રૂ.૮૩.૪૯ ખુલ્યા પછી ભાવ વધી ઉંચામાં રૂ.૮૩.૫૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૫૮ રહ્યા હતા.
આ પૂર્વે પાછાલ બાવન સપ્તાહના ડોલરનો ઉંચો ભાવ રૂ.૮૩.૫૪ હતો તે ભાવ સપાટી ડોલરે આજે વટાવી હતી. રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિદ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં આ ચીજોના ભાવ ઉંચા જવાની તથા બજેટપૂર્વે મોંઘવારી તથા ફુગાવો વધી જવાની શક્યતા બજારના જાણકારોએ બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધુ ૦.૦૭ ટકા વધી ઉંચામાં આ ગ્લોબલ ઈન્ડેક્સ ૧૦૫.૩૨ થઈ ૧૦૫.૨૨ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં ડોલર સામે એશિયાની મોટાભાગની કરન્સીઓ ઘટયાના વાવડ મળ્યા હતા. જો કે મુંબઈ કરન્સી બજારમાં બપોર પછી અમુક સરકારી બેન્કો બજારમાં ડોલરવેંચવા નિકળી હતી અને તેના પગલે રૂપિયો વધુ ગબડતો અટક્યો હતો. આ બેન્કો ડોલર વેંચવા નહિં આવત તો રૂપિયો હજી વધુ ગબડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
કરન્સી બજારમાં તાજેતરમાં આયાતકારો તથા નિકાસકારો દ્વારા હેજીંગ પ્રવૃત્તી વધ્યાના નિર્દેશો હતા. ચૂંટણી પછીના પરિણામોના દિવસોમાં બજારમાં આવી પ્રવૃત્તિ વધી હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વની બે દિવસીય મિટિંગ મંગળવારે શરૂ થઈ છે તથા બુધવારે આ મિટિંગની પુર્ણાહુતી પછી ફેડરલ રિઝર્વના ટોચના અધિકારીઓ અમેરિકામાં ફઉગાવા વિશે તથા વ્યાજના દરમાં ઘટાડા વિશે કેવા સંકેતો આપે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. અમેરિકામાં કન્ઝયુમર ઈન્ફલેશનના આંકડા પણ બુધવારે આવવાના છે.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધતાં અટકી આજે ઘટાડા પર રહેતાં તેના પગલે રૂપિયામાં આજે બપોર પછી વધુ ઘટાડો અટક્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૩૮ પૈસા વધી રૂ.૧૦૬.૪૨ બોલાયા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ઘટતા અટકી ૧૪ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૮૯.૨૨ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૮૫ રહ્યા હતા. જો કે જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૧૩ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા નરમ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.