પાલનપુર: બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલા ચિત્રાસણી ગામમાં એક જ રાતમાં ત્રણ બાઈક ચોરી થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર 7 જૂલાઇની રાત્રે ચિત્રાસણી ગામમાંથી ત્રણ બાઈકની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ પહેલા પણ ચિત્રાસણી અને તેના પાસે આવેલા સોનગઢ ગામમાંથી પણ બાઈક ચોરી થવાની અલગ-અલગ ઘટનાઓ બનતી રહી છે.
આમ પાછલા કેટલાક વર્ષથી ચિત્રાસણી સહિતના પથંકમાં બાઇક ચોરીનો સિલસિલો ચાલતો આવ્યો છે. પરંતુ બનાસકાંઠાની પોલીસ બાઇક ચોરોને પકડવામાં સફળતા મળી રહી નથી. બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાની પોલીસ બાઇક ચોરો સામે લાચાર હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાઇક ચોર ગેંગ સમાયાંતરે હાઇવેના ગામડાઓને ટાર્ગેટ કરીને બાઇક ચોરી કરી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ચોરીની બધી જ બાઇક લગભગ રાજસ્થાનના છેવાડાના ગામડાઓમાં એકદમ ઓછી કિંમતોમાં વેચી દેવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ચિત્રાસણીમાં ત્રણેક મહિના પહેલા પણ એક બાઇકની ચોરી થઇ હતી. તે બાઇક ચોરી અંગે પણ પાલનપુર પોલીસ કોઈ જ ભેદ ઉકેલી શકી નથી કે બાઇક ચોરી કરતી ગેંગ સુધી પહોંચી શકી નથી.
બાઇક ચોરોની ગેંગ પાલનપુર પોલીસને વારંવાર થાપ આપી રહી છે, તેથી પાલનપુર પોલીસની કામગીરીને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પાલનપુર પોલીસ નિષ્ફળ જઈ રહી છે. કેમ કે સામાન્ય જનતા પોલીસના ભરોશે જ રહે છે. પરંતુ અહીં તો પોલીસ નાગરિકોની જાન-માલની રક્ષા કરવામાં સક્ષમ નથી. વારંવાર બાઇક ચોરી થતી હોવા છતાં તે દિશામાં યોગ્ય પગલા ભરવામાં કેમ આવી રહ્યાં નથી તે પણ એક પ્રશ્ન છે. શું અક્ષયરાજ મકવાણા તેમના પંથકમાં ઉભી થયેલી બાઇક ચોરીની સમસ્યાથી અજાણ છે? ઘણા બધા પ્રશ્નો એવા છે કે પોલીસની ભૂમિકા ઉપર પણ ઉઠે છે.
તેથી આ બાબતે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ સ્પેશ્યલ ટીમ બનાવીને બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. હાલમાં ચોરાયેલી બાઇકોને પરત લાવવા માટે કમર કસવી જોઈએ. તો જ કાયદા ઉપર લોકોનો વિશ્વાસ જળવાયેલો રહેશે. સ્વભાવિક છે કે, વર્તમાન સમયમાં સામાન્ય વ્યક્તિ બાઇક લેવી હોય તો પણ અનેક વખત વિચારે છે. કેમ કે મોંઘવારીના સમયમાં બાઇકોની કિંમત પણ એક લાખ રૂપિયાને વટાવી ગઈ છે.