રાજકોટ અગ્નિકાંડ: પોલીસ-નેતાઓ કાયદાની પહોંચથી દૂર; લોકશાહી માત્ર નામ પૂરતી!!!

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અનેક ધંધાઓ ધમધોકાર ચાલી રહ્યા છે. દારૂ-ડ્રગ્સથી લઈને જૂગાર ધામો તો બિન્દાસ પોલીસ પ્રોટક્સનમાં જ ચાલતા રહ્યા છે. હપ્તો આપો અને ગેરકાયદેસર ધંધો કરવાનો પરવાનો લઈ લેવાની નીતિના કારણે અનેક સામાન્ય લોકોનું જીવન ધૂળ અને ધાણી થઈ રહ્યું છે. ગુજરાતીઓ નશા અને જૂગારના રવાડે ચડીને પોતાનું જીવન બગાડી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ અગ્નિકાંડ જેવી દૂર્ઘટનાઓમાં સામાન્ય લોકો પોતાનું જીવ ગુમાવી રહ્યા છે. આ તમામ ઘટનાઓ પાછળ ક્યાંકને ક્યાંક ઉપરી અધિકારી પોલીસ અધિકારીઓ સહિત નેતાઓની સંડોવણી હોવા છતાં અંતે તો કાયદો તેમના સુધી પહોંચી શકી રહ્યો નથી. કેમ કે પૈસાના જોરે તેઓ કાયદાને પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય છે.

સત્તામાં રહેલા નેતાઓ પોતાના પાવરના કારણે કાયદાકીય કાર્યવાહીથી દૂર જ રહેતા હોય છે. રાજકોટ અગ્નિકાંડ પછી થઈ રહેલી કાર્યવાહીને જોતા લાગી રહ્યું છે કે, રાજ્યમાં લોકશાહી માત્ર નામની જ રહી ગઈ છે. જનતાને જાગૃત થવું પડશે. પોલીસ અને નેતાઓ કે તેઓ જનતાના સેવક છે, તેમની ભક્તિ કરવાની જગ્યાએ તેમને પોતાના હક્કો અને અધિકારો મેળવવા માટે કામે લગાવવા પડશે. જનતાને પોતે જ હવે લાલ આંખ કરવી પડશે તો જ કામ થશે. બનાસકાંઠામાં જેવી રીતે જનતાએ સત્તાધારી પાર્ટીના ઉમેદવારને હાર આપી છે, તેવું જ કામ અન્ય વિસ્તારના લોકોને કરવો પડશે તો જ વર્ષોથી સત્તામાં બેસેલા લોકોની આંખો નીચી આવશે.

ઉપરોક્ત તસવીરમાં તમે જોઈ શકો છો કે, ગુજરાતમાં અનેક ગોઝારી દૂર્ઘટનાઓ થઈ છે પરંતુ દરેક ઘટનાઓમાં પૈસાદાર આરોપીઓ કાયદાની પહોંચથી દૂર બની જાય છે. રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાઓ પૈસા કમાવવાની લાલચના કારણે જ બને છે. અંતે આરોપીઓ  પૈસા વેરીને પોતાની જાતને બચાવવાની કોશિશ કરે છે.  પરંતુ પહેલા પૈસા બચાવવા માટે દૂર્ઘટના સર્જાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં તેઓ પાછી પાની કરતાં હોય છે. તેઓ પણ જાણતા હોય છે કે, કંઇક દૂર્ઘટના થશે તો નેતાઓ અને પોલીસ અધિકારીઓની ઓળખાણના કારણે તેઓ આબાદ બચી નિકળશે.

રાજકોટના માનવીય ગુનાહિત બેદરકારીથી ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અત્યંત દર્દનાક અને ભયાનક અગ્નિકાંડ કે જેમાં બાળકો સહિત માણસો જીવતા સળગીને એટલી હદે ખાખ થઈ ગયા કે તેમના ડીએનએ મળવા પણ મુશ્કેલ બન્યા તેની આ ગુનાના દિવસે જ રાજ્ય સરકારે SITની રચના કરીને તેને તપાસ સોંપી હતી અને સમાંતર રીતે રાજકોટ પોલીસે પણ SITની રચના કરીને તપાસ હાથ ધરી હતી.

આ તપાસને અડધો મહિનો પૂરો થઇ ગયો હોવા છતાં નેતાઓ કે પોલીસ અધિકારીઓ આ કાંડમાં દૂધે ધોયેલા હોય તેમ માત્ર બે પી.આઈ.ને સસ્પેન્ડ કરીને અન્ય કોઈ સામે ફોજદારી પગલા લેવા તો દૂર વહીવટી પગલા પણ લેવાયા નથી.

દરમિયાન સરકારે નિમેલી SITના વડા સુભાષ ત્રિવેદી ગઈકાલથી આ કેસની સઘન તપાસ માટે રાજકોટ આવ્યા છે. તેમણે આજે રાજકોટ જેલમાં રહેલા પાંચ આરોપીઓ અને ટીઆરપી ગેમઝોનના ભાગીદારો-માલિકો એવા યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને કિરીટસિંહ જાડેજાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. તો સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા સાંજ સુધી જેલમાં ધામા નાંખીને પુછપરછ કરાઈ છે.

સરકારની વિવિધ એજન્સીઓની ભૂમિકા અંગે તપાસ

સુભાષ ત્રિવેદીનો સંપર્ક સાધતા તેમણે તપાસ એકદમ તટસ્થ ચાલી રહ્યાનો દાવો કરીને જણાવ્યું કે આરોપીઓના ધવલ કોર્પોરેશન કે જેનું બીજુ નામ રેસન્વે હતું તેણે જી.એસ.ટી., ફૂડ લાયસન્સ વગેરે અંગે જે કાર્યવાહી કરી છે તેમાં સરકારની વિવિધ એજન્સીઓની શુ ભુમિકા હતી વગેરેની તપાસ કરાઈ છે.

બૂકીંગ લાયસન્સની એક ફાઈલ હજુ પણ ગાયબ

તેમણે સ્વીકાર્યું કે જેના એકમાત્ર આધાર પર ગેમઝોન શરુ થયું હતું તે પોલીસના બૂકીંગ લાયસન્સની એક ફાઈલ હજુ મળી નથી અને તે કેમ ગૂમ થયો કે ગૂમ કરી દેવાયો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પદાધિકારીઓની શુ સંડોવણી છે તે અંગે તેમણે કહ્યું કે સમગ્ર કેસની ઉંડાણથી તપાસ કરીને નિવેદનો લેવાય છે, પૂરાવાઓ એકત્ર કરાય છે અને જે પણ પદાધિકારીઓ કે પોલીસ અધિકારીઓ સહિત કોઈની પણ સંડોવણી ખુલશે તો અચૂક પગલા લેવાશે.

સરકારની અને રાજકોટની SITમાં તપાસમાં અન્ય મુદ્દા

1. આરોપી સાગઠીયા અને બે એ.ટી.પી.એ ક્યા પદાધિકારી, નેતા કે ઉચ્ચ અધિકારીની ભલામણથી આ બાંધકામનું ડિમોલીશન અટકાવ્યું હતું? ક્યા ક્યા પદાધિકારીઓ આનાથી વાકેફ હતા?

2. ફાયર એન.ઓ.સી. વગર પોલીસે બૂકીંગ લાયસન્સ આપ્યું તેમાં કોઈ આર્થિક વહીવટ કર્યો છે કે કોઈની ભલામણ હતી?

3. પોલીસ અને મનપા તથા અન્ય ખાતાની જવાબદારી પ્રથમ દિવસે જ ખુલી હોવા છતાં માત્ર મનપાના અધિકારીઓ સામે જ ગુનો નોંધી ધરપકડ કેમ કરાઈ?

4. તા. 25ના માનવસર્જિત અગ્નિકાંડની ફરિયાદમાં કોઈ અધિકારીના નામ ન્હોતા ત્યારે બે-ત્રણ દિવસમાં મિનિટ્સ બૂક ઉપરાંતના પૂરાવાઓ સાથે શુ ચેડાં થયા છે?

5. આગ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો તે પોલીસ તપાસ અનુસાર એલ.પી.જીની હતો તો આ બાટલા કઈ રીતે આવ્યા?

6. પૂર્વ કલેક્ટર, મ્યુનિ.કમિશનર, ધારાસભ્ય, મેયર વગેરે ટીઆરપી ઝોન પાસે ગયા તેની તસ્વીરો વાયરલ થઈ છે, SITદ્વારા તેમની પુછપરછ કેમ કરાઈ નથી?

7. પોલીસે બૂકીંગ લાયસન્સ ન આપ્યું હોત તો આ દુર્ઘટના ઘટત નહીં. આ લાયસન્સની પ્રક્રિયાની ફાઈલ કોણે, શા માટે ગૂમ કરી? ગૂમ થવા છતાં કોઈ સામે પગલે કેમ નથી લેવાયા?

8. ઘટનાના દિવસ તા.25ના 28 મૃતદેહો જાહેર થયા, બાદ સત્તાવાર 27નો મૃત્યુ આંક જાહેર થયો, બીજા દિવસે તા. 26ની સાંજે માનવ અવશેષો મળ્યા તે કોના હતા?

9. ઘટના બાદ તુરંત એ.ટી.પી.,પોલીસ વગેરેને સસ્પેન્ડ કરાયા તેમાં બેદરકારીનું કારણ આપ્યું પણ પોલીસ, મ્યુનિ.કમિશનર વગેરેની બદલી કરાઈ તેમાં કોઈ કારણ કેમ નથી આપ્યું? જો તેઓ નિર્દોષ હતા તો હજુ પોસ્ટીંગ કેમ નથી અપાયું?