વેષ્ણોદેવી જતા તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરનારા આતંકીઓનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે રિયાસીમાં બસ પર હુમલો કરનારા એક આતંકીનો સ્કેચ જાહેર કર્યો છે. આ સાથે જ સૂચના આપનારાઓને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
કહેવામાં આવે છે કે આ આતંકીએ બસના ડ્રાઇવરને ગોળી મારી હતી. આતંકીએ ભારતીય સેના જેવા કપડા પહેર્યા હતા. ઘટનાથી વેષ્ણોદેવી જતા મુસાફરોમાં ડરનો માહોલ છે.
9 લોકોના થયા હતા મોત
રવિવારે મુસાફરો ભરેલી બસ વેષ્ણોદેવી જતી હતી. આ દરમિયાન શિવખોડી મંદિરથી કટરા તરફ જતા સમયે આતંકીઓએ બસ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ બસ પર કેટલીક ગોળીઓ વરસાવી હતી જેમાં એક ગોળી બસ ચાલકને લાગી હતી અને તે બાદ વાહન ચાલકે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં પડી હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 41 મુસાફર ઘાયલ થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના આધાર પર સ્કેચ જાહેર કરાયો
રિયાસી બસ હુમલાના આરોપી શંકાસ્પદ આતંકીનો સ્કેચ પ્રત્યક્ષદર્શીઓ તરફથી આપવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે આતંકીના કોઇ સમાચાર મળે તો પોલીસ તરફથી આપવામાં આવેલા નંબર પર સંપર્ક કરે. એવું પણ કહેવામાં આવ્યું કે આતંકીની સૂચના આપનારાની ઓળખ જાહેર કરવામાં નહી આવે. પોલીસ અધિકારી અનુસાર આતંકીને શોધવા માટે 11 ટીમ લગાવવામાં આવી છે જે સતત તમામ એરિયામાં તપાસ કરી રહી છે.