પાલનપુર આવાસ યોજનાના લાભાર્થીઓ મુશ્કેલીમાં; કોલેરા વચ્ચે ગંદા પાણી સહિતની અનેક સમસ્યાથી ગ્રસિત

પાલનપુરમાં આવાસ યોજનાના લાભાર્થીઓનું દર્દ છલકાયું છે. પાલનપુર કોટ વિસ્તારમાં વર્તમાન સમયમાં કોલેરા સહિતના પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે. તેવામાં આવાસ યોજનામાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત પણ અનેક સમસ્યાથી ગ્રસિત આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાની સમસ્યા મીડિયા સામે કહી સંભળાવી હતી.

પાલનપુરમાં પાછલા કેટલાક સમયથી કોલેરા સહિતના રોગચાળાએ માથું ઉચક્યું છે. પાણીજન્ય રોગોના કારણે પાલનપુર કોટ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત પણ નિપજ્યા છે. તેવામાં વધુ એક ચોંકાવનારા સમાચાર તેવા મળી રહ્યા છે કે, માલણ દરવાજા પાસે આવેલ આવાસ યોજનાના નળમાં પણ ગંદુ પાણી આવી રહ્યુ છે.

પાલનપુરના માલણ દરવાજે આવેલ આવાસ યોજનાનાં મકાનોમાં રહેતા લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. નજીક બનાવેલ બોરનાં વાલ્વમા કૂતરા અને ભુંડોએ પીધેલ પાણી આવતું હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા.

આવાસમાં રહેતા એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમને આ આવાસ યોજનાના મકાનો બનાવીને રહેવા માટે આપ્યા ત્યારથી અહીં ધરોઈનું પાણી આવતું નથી. તો બીજી તરફ જે બોરનું પાણી આવે છે તેનો વાલ્વ લીક છે. જેથી તેમાંથી પાણી બહાર રોડ ઉપર પણ નિકળે છે. બહાર નિકળેલ પાણી ભરાઈ રહે છે.

તેમણે વધુ જણાવતા કહ્યું કે, ખુલ્લામાં ભરાયેલા પાણીમાં કુતરા અને ભૂંડ આળોટે છે અને તે પીવે પણ છે. આ ગંદકી કરેલ પાણી વાલ્વમાં થઈને પાછું અમારા ઘર સુધી પણ પહોંચે છે. તે પાણીનો મજબૂરીમાં અમારે પીવામાં ઉપયોગ કરવામાં આવે છે. કલેક્ટરે વોર્ડ 5 અને 6ને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે અમે પણ આવું ગંદુ પાણી પીશું તો અમને પણ કોલેરા થવાનો ભય સતાવી રહ્યો છે.

આવાસ યોજનામાં રહેતા વધુ એક લાભાર્થીએ જણાવ્યું હતું કે, અમને આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી રહી નથી. આવાસ યોજનાના મકાનોની ચારે બાજુ કોઈ પણ પ્રકારની દિવાલ ન હોવાથી નાના છોકરાઓ નીચે રમતા હોય ત્યારે અચાનક ગાયો આવી ચડતી હોય છે. અહીંના મોટા ભાગના મકાનોની છતમાંથી અંદર પાણી ટપકે છે. તો સામે ચોમાસું આવી રહ્યું હોવાથી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અમારા પર કોઈ આપત્તિ આવે તે પહેલા જરૂરી પગલાં લઈને પીવાનું પાણી સહિતની સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ.