દ્વારકા નજીકના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે. ગત શુક્રવારે રૂ. 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ મળી આવ્યો છે.
તે પછી આજે પણ પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 40 જેટલા બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. જેની કિંમત અંદાજે 20 કરોડ જેટલી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ સતત મળી રહેલા પેકેટોને પગલે પોલીસે હજુ પણ સર્ચ ઓપરેશન જારી રાખવાનો નિર્ણય લીધો છે.
એક સપ્તાહમાં 100 પેકેટ ડ્રગ્સ ઝડપાયું
છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે.
ત્યાર બાદ ફરી દ્વારકાના દરિયાકાંઠેથી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાં આજરોજ ફરી દ્વારકા તાબેના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયાકિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને સાંપળ્યો હતો.