ઉત્તરાખંડમાં અલકનંદા નદીમાં મીની બસ ખાબકી, ઘટનાસ્થળે જ 8 લોકોના મોત

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક મીની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મીની બસમાં 25 શ્રદ્ધાળુઓ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ દિલ્હીના હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પોલીસને મદદ કરી રહ્યા છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે, રુદ્ર પ્રયાગમાં રંટોલી પાસે હાઇવે પરથી એક મીની બસ નદીમાં ખાબકી છે. સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર પોલીસ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

બચાવવા ગયેલા મજૂરનું પણ મોત થયું હતું
જ્યાં અકસ્માત થયો ત્યાં રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે 3 મજૂરો નદીમાં કૂદી પડ્યા હતા. તેમાંથી બે પાછા આવ્યા. જ્યારે એકનું મોત થયું હતું. મીનીબસ જ્યાં ખાબકી છે તે જગ્યા 250 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે.