પાલનપુર: એરોમા સર્કલ ટ્રાફિકની વિકરાળ સમસ્યા વચ્ચે પોલીસના મીડિયામાં ચમકવા તાયફા

પાલનપુર પોલીસે એક ડ્રાઇવનું આયોજન કર્યું હતું. પાલનપુર ગોળાઇ ઉપર પોલીસ કર્મચારીના એક કાફલાએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને દંડ્યા હતા. આમાં રિક્ષા ચાલકો સહિત સામાન્ય લોકો કે જેઓ ઘરેથી રોજી-રોટીની ચિંતામાં સવારે ઘરેથી નિકળતા હોય છે. પારાવાર મોંઘવારી વચ્ચે સામાન્ય વ્યક્તિ સતત પોતાનું ઘર ચલાવવાની ચિંતામાં હોય છે, તેવામાં પોલીસ પાસેથી હજાર રૂપિયાનો મેમો મળી જાય તો તેના માટે આઘાત સમાન હોય છે.

પાલનપુર પોલીસે મીડિયામાં ચમકવાના તાયફા વચ્ચે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને દંડ્યા હતા. એક તરફ પોલીસ હપ્તાખોરી ચલાવે છે તો બીજી તરફ પોતાની કામગીરી દર્શાવવા માટે મીડિયાની ટીમને સાથે લઈને લોકોને દંડવાનો કારસો કરી રહી છે. આજે આવો જ એક કારસો પાલનપુર ખાતે કરવામાં આવ્યો હતો. આ કારસા દરમિયાન ટ્રાફિક સર્જાતા મોટી સંખ્યામા લોકોને મુશ્કેલી પડી હતી.

આ દરમિયાન ગાડીઓની કાળી ફ્રેમ પણ ઉતારવામાં આવી હતી. જોકે, આ બધા તાયફા દરમિયાન પાલનપુર વચ્ચોવચ ટ્રાફિક જામ થઈ ગયું હતું. ચારે તરફ મસમોટી લાઇનો લાગી ગઈ હતી. કાયદાનું ભંગ કરનારા પાંચ-દસ લોકોને ભાન કરાવવા હજારો લોકોને શાળા છૂટવાના સમયે રોકી રાખ્યાની કામગીરી કરીને પોતાની પીઠ થબથબાવી રહી છે.

એરોમા સર્કલની વિકરાળ સમસ્યાનું નિવારણ થઈ રહ્યું નથી

પાલનપુર પોલીસે આવા ખોટા તાયફા કરવા કરતાં એરોમા સર્કલ પર પ્રતિદિવસ મસમોટી લાઇનો લાગે છે, તેની સમસ્યાનું સમાધાન પાછલા ઘણા સમયથી નિવારણ કરવામાં આવ્યું નથી. હાં, રોડ રસ્તાઓનું કામ કાજ ચાલી રહ્યું છે. પરંતુ તે કામ-કાજના કારણે પ્રતિદિવસ ટ્રાફિક સમસ્યાને લઈને આંખ આડા કાન કરી શકીએ નહીં.

પાલનપુર એસપીથી લઈને ક્લેક્ટર સુધીના તમામ જવાબદારી અધિકારીઓને પાલનપુર એરોમા સર્કલે સર્જાતા વિકરાળ ટ્રાફિક જામની સમસ્યાને ઓછી કરવા માટે યોગ્ય દિશામાં ઝડપીમાં ઝડપી પગલા ભરવા જોઈએ. કેમ કે હવે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તો આગામી દિવસોમાં પાલનપુરમાં વરસાદ દરમિયાન આ સમસ્યા વધારે ખતરનાક બની શકે છે.

તો બીજી તરફ એરોમા સર્કલની આસપાસ હોસ્પિટલો પણ મોટી સંખ્યામાં આવેલી હોવાથી અનેક વખત એમ્બ્યૂલન્સ પણ તેમાં ફસાઇ જતાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક અનેક દર્દીઓને ભરખી ગયો છે.

આજના પોલીસના તાયફા દરમિયાન પોલીસે એક એમ્બ્યુલન્સને ભારે ટ્રાફિકમાંથી બહાર કાઢીને સારૂ કામ કર્યું હતું. જોકે, તે ટ્રાફિક પણ તેમના કારણે જ થયું હતું.