પાલનપુર: નોકરીના બદલામાં 45 હજાર રૂપિયાની લાંચ લેનાર પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર શુક્રવારે એસીબીની ટીમે રંગેહાથે ઝડપાઇ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અને મહિલા મેનેજરે કરાર આધારિત ભરતી કરવા માટે અન્ય એક મહિલાના પતિ પાસેથી ત્રણ પગાર એડવાન્સ પેટે 45000 રૂપિયા લઈને નોકરી આપવાની ગોઠવણ કરી હતી.
પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં એક મહિલાએ તેમના પતિને ફિલ્ડ ઓફિસરની કરાર આધારિત જગ્યા ઉપર ભરતી કરવા માટે અરજી કરી હતી. જોકે, જોરાવર પેલેસના સેવાસદન 2માં આવેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી (વર્ગ – 2) નરેશભાઈ વીરાભાઇ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મેનેજર આશાબેન પરેશકુમાર નાયકે મહિલાના પતિને કરાર આધારિત નોકરીએ રાખવા બદલ ત્રણ માસના રૂપિયા 45,000 પગારની રકમની લાંચની માંગણી કરી હતી. પરંતુ મહિલાએ લાંચ આપવાની જગ્યાએ એસીબીમાં ફરિયાદ કરવાનું પસંદ કર્યું હતું.
લાંચિયા અધિકારીઓને પકડવા ગોઠવાયું છટકું
પીઆઇ નિલેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ કેન્દ્રમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં મેનેજર આશાબેન નાયક રૂ. 45,000ની લાંચ લેતાં ઝડપાઇ ગઇ હતી. સેવા સદન 2ની ઓફિસમાંથી જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ મેણાતની પણ અટકાયત કરાઈ હતી. બંનેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
22.50 લાખનું કૌભાંડ આચરવાનું પ્લાનિંગ
જણાવી દઇએ કે, નરેશ મેણાત અને આશાબેન નાયક દ્વારા કરાર આધારિત 50 કર્મચારીઓ પાસેથી રૂપિયા 22.50 લાખ પડાવવાનું કૌભાંડ કરવાની પ્લાનિંગ બનાવ્યાની વાત પણ સામે આવી રહી છે. જોકે, પ્રથમ પ્રયત્ને જ તેમના પ્લાન ઉપર પાણી ફરી વળ્યું હતું.
લાંચિયા અધિકારીઓની ધમકી; પૈસા આપો અને નોકરી કરો
એસબીની છટકામાં પકડાઇ જનારા બંને અધિકારીઓ પૈસા આપો અને નોકરી કરોની ધમકી આપતા હતા. જો પૈસા આપશો નહીં તો નોકરી ઉપરથી છૂટા કરવાનું કહીને ડરાવતા-ધમકાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જિલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રની મેનેજર આશા નાયક કચેરીના 10 અને જિલ્લાના 40 કરાર આધારિત કર્મચારીઓને ત્રણ પગારના રૂ. 45,000 નહીં આપો તો છુટા કરી દેવાની ધમકી આપતા હતા.
મળતી માહિતી અનુસાર, નવા કર્મચારી પાસેથી પણ ત્રણ પગારની રકમ હડપ કરી રૂ. 22.50 લાખનું કૌભાંડ આચરવાનું હોવાનું પણ સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, તેમનો મનસૂબો પાર પડે તે પહેલા એસીબીની ટીમે બંનેને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. એક મહિલાની હિંમતના કારણે મસમોટું કૌભાંડ અટકી ગયું છે.
રંગહાથે ઝડપાયા છતાં છેલ્લે સુધી પોતાનો બચાવ કરતી રહી આશા નાયક
નારી સંરક્ષણ કેન્દ્રમાં પીડીત મહિલાઓ રહે છે. જ્યાં પુરૂષોના પ્રવેશ ઉપર પાબંધી હોવાથી એસીબીની ટીમના મહિલા કર્મચારીઓને પહેલા અંદર મોકલી દેવાયા હતા. જે પછી ટીમ ગઇ હતી. મેનેજર આશા નાયક લાંચની રકમ સ્વીકારી પર્સમાં મૂકી હતી. જોકે, એસીબીની ટ્રેપ હોવાની શંકા જતાં પર્સ ફેંકી દીધુ હતુ. અને તે પોતાનું ન હોવાનું રટણ કર્યું હતું. જોકે, આખરે લાંચ લીધી હોવાનું સ્વીકારી લીધું હતું.