બનાસકાંઠાના પાલનપુરમાં ‘શ્રીપાલનપુર હિંદુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન’ છેલ્લા 18 વર્ષથી સતત કાર્યરત છે. આ વિશ્રાંતિ ભવનમાં અત્યાર સુધી અનેક વડિલોએ પોતાનું જીવન વ્યતિત કર્યું છે. તો વર્તમાન સમયમાં તેમાં 80થી વધારે વડીલો ખુબ જ આનંદપૂર્વક રહી રહ્યા છે. તેવામાં હવે અશક્ત, ગંભીર બીમાર તથા સામાન્ય હરી ફરી ન શકે તેવા વડીલોની સાર સંભાળ યોગ્ય રીતે થઈ શકે તે માટે વડીલ વિશ્રાંતિ ગૃહની બાજુ જગ્યામાં આધુનિક સાધન સુવિધા યુક્ત અશક્ત આશ્રમ બનાવવામાં આવશે.
આ આશ્રમ પાછળ 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અશકતાશ્રમ અંગેના સમગ્ર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં દાતાઓએ ત્રણ કરોડ રૂપિયાથી વધારેનું દાન આપી પણ દીધું છે.
પાલનપુરમાં રવિવારે આયોજિત સન્માન સમારોહમાં આ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અશકતાશ્રમમાં રૂમ્સ, લેટેસ્ટ બેડસ, વ્હીલ ચેર, લિફ્ટસ, ઓક્સિજન લાઇન, ફ્લોર દીઠ એટેન્ડન્ટ, રૂમ સર્વિસ તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
આ યુનિક પ્રકારની મેડિકલ સેવાકીય ઈમારતમાં વડીલોને એડવાન્સ સુવિધાઓ જેવી કે મેડિકલ વોર્ડ, ફિઝિયોથેરાપી સેન્ટર, રિહેબિલિટેશન સેન્ટર બિલ્ડિંગમાં જ હશે. મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ પેરામેડિક કેર સ્ટાફ તેમની દેખરેખ રાખશે.
મિહિરભાઈ પંડ્યાએ જણાવ્યું કે ” 33,000 ચોરસ ફૂટ જગ્યામાં 40,000 ચોરસ ફુટ બાંધકામ થશે. હાલમાં અમારા આશ્રમ ખાતે રહેતા બીમાર વડીલો તો આના લાભાર્થી તરીકે તો છે જ, ઉપરાંત અમને હવે જે નવા એડમિશન માટે ભલામણ આવે છે તેમાંથી મોટાભાગના વડીલો ગંભીર બીમાર અને લાચાર છે જેથી સંતાનો તેમને રાખી શકે તેમ નથી. તેવા વડીલોનું ધ્યાન રાખી શકાય સાથે સાથે સારવાર કરી શકાય તેવા ઉત્તમ હેતુથી અશકતાશ્રમ બનાવવામાં આવી રહ્યું છે.”
તે ઉપરાંત મિહિર ભાઇ પંડ્યાએ જણાવ્યું કે, “તે ઉપરાંત ગામમાં કોઈ પણ અતિ સામાન્ય ઘરના વડીલની થોડા દિવસ પૂરતી પણ સુશ્રુષાની જરૂર હોય તો પણ અમે સાચવીશું, જેથી તેમના સંતાનોનો કામ ધંધો સચવાય તેમજ કુટુંબ વિખેરાઈ ના જાય.”