ગુજરાત હાઇકોર્ટે ગૃહમંત્રાલયને કહ્યું- પોલીસની ખાલી જગ્યાઓ ક્યારે ભરશો

કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઈએલમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કરી સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસ તંત્રમાં તા. 31/03/2024ની સ્થિતિએ 28,993 ખાલી જગ્યાઆ ખાલી પડી છે. જો કે, આ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી નહી કરતાં ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે રાજયના ગૃહવિભાગ પાસેથી જવાબ માંગ્યો

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આગામી સમયમાં સરકાર કેવી રીતે અને કયારે ભરતી કરશે..? પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી, ભરતીની પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર વિગતવાર જવાબ રાજયના ગૃહવિભાગ પાસેથી માંગ્યો છે. તા.2 જૂલાઇ સુધીમાં આ અંગેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવા પણ હાઇકોર્ટે તાકીદ કરી હતી.

કોમી તોફાનો વખતે જાહેર મિલકતને નુકસાન થતુ અટકાવવા, રેલી, સભા સરઘસ દરમિયાન પોલીસને દિશા-નિર્દેશ, પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી, પોલીસને તાલીમ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમકોર્ટે દેશના તમામ રાજયોને 2019માં જારી કરેલા નિર્દેશોને પગલે ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે સુઓમોટો પીઆઈએલ દાખલ કરી હતી.

29 હજાર ખાલી જગ્યાઓ પૈકી 12 હજાર જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે

જેની સુનાવણીમાં સરકારે અગાઉ હાઇકોર્ટ સમક્ષ સોગંદનામા પર હાઇકોર્ટને હૈયાધારણ આપી હતી કે, પોલીસ તંત્રમાં એસઆરપી, ટેકનીકલ, સ્ટેટ આઈબી સહિતની કુલ 29 હજાર જેટલી ખાલી જગ્યાઓ પૈકી 12 હજાર જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરાઈ છે.

28,993 જેટલી જગ્યાઓ પોલીસ વિભાગમાં ખાલી પડેલી છે

પરંતુ એ પછી પણ કોઇ નક્કર પ્રગતિ થઇ ન હતી. સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તા.31-3-2024ની સ્થિતિએ 28,993 જેટલી જગ્યાઓ પોલીસ વિભાગમાં ખાલી પડેલી છે. જેથી હાઈકોર્ટે ટકોર કરી હતી કે, માર્ચ-2023 પછી સરકાર દ્વારા પોલીસ તંત્રમાં પ્રમોશન કે સીધી ભરતી યોજવામાં આવી નથી. સરકારપક્ષ તરફથી ભરતી નહી થવા પાછળના જુદા જુદા કારણો રજૂ કરાયા હતા.

પોલીસ ભરતી માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ બનાવ્યું છે

જો કે, હાઈકોર્ટે તેનાથી બહુ પ્રભાવિત થઈ ન હતી. સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, પોલીસ ભરતી માટે પોલીસ કમીશન અને ગાઈડલાઈન જારી કરવાની અનિવાર્ય હોઈ સરકારે જણાવ્યું હતું કે, સરકારે તા.7-3-2024ના રોજ ઠરાવ જારી કરી પોલીસ ભરતી માટે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ બનાવ્યું છે.

તેથી હાઈકોર્ટે તરત જ સરકારપક્ષને સુણાવ્યું હતું, પરંતુ આ બોર્ડ કે તેના સભ્યોની વિશેની કોઈ માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરાઈ નથી કે, તેના સભ્યોને નોમીનેટ કરીને બોર્ડની રચના કરવામાં આવી નથી. તેથી હાઈકોર્ટે રાજયના ગૃહવિભાગના સચિવ પાસેથી આગામી દિવસોમાં સરકાર કયા પ્રકારે પોલીસ ભરતી કરવા માંગે છે, તે માટે પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી, ભરતીની પ્રક્રિયા સહિતના મુદ્દે વિગતવાર જુવાબી સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.2 જૂલાઈએ રાખી હતી.

એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768