ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાના થરાદ તાલુકાના વડગામડા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એટલે કે 20 જૂને સાંજે વડગામડા ગામે મુખ્યમંત્રીની સભા યોજાશે. જેમાં ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવશે. ઉલ્લેકનિય છે કે, લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની સીટ બીજેપીને ગુમાવવાનો વારો આવ્યો છે. ગેની બેનના વર્ચસ્વને કારણે બીજેપીને એક સીટ ગુમાવવી પડી છે. તેવામાં ચૂંટણી પછી તરત જ બનાસકાંઠામાં સીએમની રાત્રીસભાને લઇને તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.
તો જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે આજરોજ થરાદના વડગામડા ગામે સાંજે સાત વાગ્યે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રીસભા દરમિયાન ગ્રામજનો સાથે વિચાર ગોષ્ટિ કરશે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને તંત્ર દ્વારા આખરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડગામડા ગામે રાજ્યના મુખ્યમંત્રી આવનાર હોવાથી આજુબાજુના ગામોના લોકોને ઉપસ્થિત રહેવા ગ્રામ પંચાયત વડગામડા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવી રહું છે.