નવાબી નગરી પાલનપુર બની રહ્યું છે ટ્રાફિકનું નવું હબ; રિંગરોડની તાતી જરૂરિયાત

બનાસકાંઠાના (Banaskantha) જિલ્લા મથક પાલનપુરમાં (palanpur) ટ્રાફિકની સમસ્યા ન (Traffic) માત્ર પાલનપુરવાસીઓ માટે પરંતુ જિલ્લા મથકે આવતા તમામ જિલ્લાવાસીઓ માટે સૌથી મોટી મુશ્કેલી છે. પાલનપુર શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27 ના એરોમા સર્કલ પર દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે.

પાલનપુરમાં પ્રતિદિવસ ટ્રાફિકની મસમોટી લાઇનો લાગેલી જોવા મળી રહી છે. પાલનપુરની સ્થાનિક જનતા ટ્રાફિકથી ત્રાસી ગઈ છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવતો દેખાઈ રહ્યો નથી. તો ચોમાસામાં ટ્રાફિકની સમસ્યા વધારે ઘેરી બનવાથી જનતાની મુશ્કેલીઓ વધી જશે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી.

પાલનપુર હાઇવે સહિત પાલનપુર શહેરની અંદર પણ ટ્રાફિકની સમસ્યાનો કોઈ અંત આવતો દેખાઈ રહ્યો નથી. પાલનપુર શહેર અને હનુમાન ટેકરી સહિતના વિસ્તારમાં શાળા છૂટવાના અને ભરાવવાના સમયે ટ્રાફિક મોટા પ્રમાણમાં થાય છે. તો શહેરમાં પણ શાળાના સમયે થતાં ટ્રાફિકને ટાળી શકાય છે. તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ટ્રાફિકને એકંદરે હળવું કરી શકાય છે.

એરોમા સર્કલ ઉપર થતા જીવલેણ ટ્રાફિક સમસ્યાનો અંત આણવા માટે હાઇવે ઓથોરિટી, બનાસકાંઠા એસપી, ક્લેક્ટર સહિતના અધિકારીઓએ એક્શનમાં આવવાની જરૂરત છે. કેમ કે નવાબી નગરી પાલનપુરમાં આસપાસના વિસ્તારના લોકોનું ભારણ સતત વધી રહ્યું છે. તેવામાં આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યામાં વધારે ઉછાળો આવે તે સ્વભાવિક છે.

પાલનપુર શિક્ષણથી લઈને તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. બનાસકાંઠાનું મુખ્ય મથક હોવાના કારણે અને સરકારી કચેરીઓના કારણે પણ પ્રતિદિવસ હજારોની સંખ્યામાં લોકો પાલનપુર આવતા હોય છે. તો પાલનપુર થઇને પસાર થતાં નેશનલ હાઇવેના કારણે પ્રતિદિવસ લાખોની સંખ્યામાં વાહનોનું અવરજવર થતું હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.

રાજસ્થાન જનારાઓ અને અમદાવાદ તરફ જનારા સાધનોની સંખ્યા પ્રતિદિવસ વધવાની જ છે, તેમાં કોઈ જ બેમત નથી. તેથી પાલનપુરના રિંગ રોડનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવો જોઈએ. રિંગ રોડ જ સમસ્યાનું ખરૂ સમાધાનનું સાધન બની શકે છે. તો કેટલાક અન્ય એવા કામ છે જે કરવાથી ટ્રાફિક સમસ્યાથી આંશિક રાહત મેળવી શકાય છે, જેમ કે એરોમા સર્કલ ઉપર કોઈ ચોક્કસ ટાઇમને અનુસરતા સિગ્નલ મૂકવામાં આવેલા નથી. જો ચોક્કસ સમયને અનૂસરતા સિગ્નલ મૂકવામાં આવે તો ટ્રાફિકમાંથી થોડા અંશે રાહત મળી શકે છે.

તો એરોમા સર્કલ નજીક રોડ-રસ્તાઓને પહોંળા કરવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તે એકદમ મંદ ગતિએ કરવામાં આવી રહ્યું છે. આ કામ ખરેખર ટ્રાફિકને ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યું છે પરંતુ કામ કરવાની સિસ્ટમ એટલી લચર છે કે, તે કામના કારણે જ ટ્રાફિકમાં વધારો થઈ ગયો છે. પાલનપુર નગરપાલિકાએ પોતાના તે કામને ટ્રાફિકને ઓછું કરવા માટેના એક્શન પ્લાન તરીકે ગણાવ્યો હતો. પરંતુ આ એક્શન પ્લાન જ ટ્રાફિકમાં વધારો કરી રહ્યો છે. તેથી એરોમા સર્કલ અને આબુ હાઇવે પર ચાલી રહેલા કામને વરસાદ પડે તે પહેલા જ પૂર્ણ કરી લેવા જોઈએ. નહીંતર ચોમાસામાં પાલનપુરવાસીઓ આલા દરજ્જાનું ટ્રાફિક જોઈ શકે છે.

રાજસ્થાનથી હજારોની સંખ્યામાં દર્દીઓ પાલનપુર આવે છે

પાલનપુરમાં શિક્ષણ અને મેડિકલ સેવાઓ ખુબ જ ઝડપી અને સારી રીતે વિકાસ પામી છે. તેથી પડોશી રાજ્ય રાજસ્થાનથી પ્રતિદિવસ હજારોની સંખ્યામાં ગાડીઓ ભરાઇને મેડિકલ સેવા માટે દર્દીઓ પાલનપુર આવતા હોય છે. તો આસપાસના ગામડાઓમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો પોતાના વ્યક્તિગત કારણોસર શહેરમાં આવતા હોય છે.

આ તમામ કારણો ભેગા થઇને ટ્રાફિક સમસ્યાને વિકરાળ બનાવી રહ્યા છે. જે સમસ્યા આગામી સમયમાં ખુબ જ ભયંકર બનીને સામે આવી શકે છે. તેથી પાલનપુર ટ્રાફિકનું હબ બની જાય તે પહેલા જ સરકાર ઝડપીમાં ઝડપી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પગલા ભરીને કામગીરી શરૂ કરવી જોઈએ. આ અંગે જવાબદાર અધિકારીઓએ સરકારને પાલનપુરની ભયંકર ટ્રાફિક સમસ્યા વિશે માહિતી આપવી જોઈએ.

જણાવી દઇએ કે,પાલનપુર શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27 ના એરોમા સર્કલ પર દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારે 2022માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જે મંજૂરીમાં સરકારે 300 કરોડના ખર્ચે પાલનપુર જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલા 24.813 કિલોમીટર લાંબો બાયપાસ રોડનું નિર્માણ કરવાની વાત કરી હતી.

તો આજથી ચાર વર્ષ પહેલા એટલે કે લગભગ 2020માં પાલનપુર નગરપાલિકા દ્વારા અંતિમ સાધારણ સભામાં ઠરાવેલો નવા વિકાસ નકશાને હવે પ્રજા સમક્ષ મુકવામાં આવ્યો હતો. જેમાં 15 કિલોમીટરનો રિંગ રોડ અને સેટેલાઇટની મદદથી સર્વે કરેલો નકશો 60 દિવસ સુધી પાલિકામાં જોવા માટે મુકવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનોના વાંધા- સૂચનો લેવામાં આવ્યા હતા.

તો જણાવી દઇએ કે, આજથી ચાર વર્ષ પહેલાથી જ પાલનપુરવાસીઓ માટે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બનેલી છે. પરંતુ સરકાર અને સરકારી બાબુઓ વાતોના વડા જ કરી રહી છે. આજદિન સુધી પાલનપુરવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો અપાવવા માટે કોઈ ચોક્કસ અને ઠોસ પગલા ભર્યા નથી.

એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768