ગાંધીનગર : હાલમાં સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે ગઠીયાઓએ અદાણી શાંતિગ્રામમાં અંબુજા સિમેન્ટ કંપનીના એચ આરને શેર બજારમાં ટ્રેડિંગ કરીને કમાવવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ભરાવડાવીને કુલ 1.07 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો ત્યારે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ગેંગના એક સાગરીતને રાજસ્થાન ઉદેપુરથી ઝડપી લેવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપનીના એચ.આર અને સાતેજ ખાતે ગ્લોરી સુપર સીટીમાં રહેતા સુનીલ ગોવર્ધન સિંઘને ગત 16 ફેબ્રુઆરીના રોજ એક નોટિફિકેશન આવ્યું હતું અને વિદેશી કંપનીનો ઇન્વેસ્ટમેન્ટ માટેનો વિડીયો દર્શાવવામાં આવ્યો હતો તેની સાથે એક લીંક પણ આવી હતી. જેમાં તેમણે ક્લિક કરતા વોટ્સએપના અલગ અલગ ગુ્રપમાં એડ થયા હતા. જ્યાં ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. જ્યાંથી ટેલિગ્રામની લીંકમાં જોડાયા હતા અને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ માટે તેમણે ફોર્મ ભર્યું હતું અને બેન્ક એકાઉન્ટ નંબર પણ આપ્યા હતા. શરૂઆતમાં રૂપિયાનું રોકાણ કરતાં 22,000નો નફો થયો હતો જે પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી દીધો હતો.
જોકે તબક્કાવાર તેમણે 1.07,76000 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનો બે કરોડ રૂપિયા જેટલો નફો દર્શાવતો હતો. જે તમામ રકમ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરતા તેમની પાસેથી 30 ટકા જેટલું કમિશન માગવામાં આવ્યું હતું. જેથી તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે રાઠોડ અને ટીમ દ્વારા આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરવામાં આવી હતી અને બેંકમાં ટ્રાન્સફર થયેલા રૂપિયાના આધારે રાજસ્થાન ઉદેપુરના રતનલાલ ઉદયલાલ કુમાવતને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે આ ગેંગના અન્ય સાગરીતોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.