ડિજિટાઈઝેશનના યુગમાં હવે મોટાભાગના નાણાકીય ટ્રાન્જેક્શન ડિજટલી થઈ રહ્યા છે. લોકો ખાસ કરીને યુવાનો રોકડ રાખવાનું ટાળે છે. બીજી તરફ ઘણા લોકો એવા પણ છે કે, તેઓ રોકડમાં ટ્રાન્જેક્શન કરવાનું પસંદ કરતાં હોય છે. તેમજ ઘરમાં પણ મોટી રકમની રોકડ રાખતા હોય છે. જો તમારી પાસે વ્હાઈટ મની અર્થાત પરસેવાની કમાણી હશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ વધુ પડતી રોકડ ઘરમાં રાખવાથી ઈનકમ ટેક્સની ઈન્ક્વાયરીનો સામનો કરવો પડી શકે છે…
ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય?
ઘરમાં જોઈએ તેટલી રોકડ રકમ રાખી શકાય છે. તેના પર કોઈ પ્રતિબંધ નથી. તો સવાલ એ થાય છે કે ઘરમાં મર્યાદા કરતા વધારે રોકડ રકમ રાખવાથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી શકે છે. તેનો જવાબ છે, ના. પરંતુ જો કોઈ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો તો તમારે જણાવવુ પડશે કે, ઘરમાં ઉપલબ્ધ નાણાંનો સ્રોત શું છે?
ઘરમાં ઉપલબ્ધ રોકડનો માન્ય સ્રોત અને જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવા જરૂરી
ઈનકમ ટેક્સ(Income Tax)ના નિયમ અનુસાર, જો તમારી પાસે ઘરમાં ઉપલબ્ધ રોકડ રકમનો માન્ય સ્ત્રોત છે તો તેના ડોક્યુમેન્ટસ દર્શાવવા જરૂરી છે. જો તમે ખોટી રીતે પૈસા કમાયા નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારે ફક્ત રોકડ ક્યાંથી આવી તેના લીગલ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે.
માહિતી છુપાવવા બદલ મોટી પેનલ્ટી થશે
જો તમારી પાસે રહેલ રોકડ રકમનો સાચો હિસાબ ન આપી શકો તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને ભારે પેનલ્ટી લાદી શકે છે. નોટબંધી બાદ ઈનકમ ટેક્સ નિયમ અનુસાર જો તમારી પાસેથી અઘોષિત રોકડ મળે, તો તમને તે રકમ પર 137 ટકા સુધી ટેક્સ લગાવી શકશે.
ટેક્સ ચોરીના મામલામાં રોકડ, સંપત્તિ જપ્ત કરાશે
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સહિતની સરકારી એજન્સીઓ જે લોકો પાસે કાળું નાણું છુપાયેલું હોય તેના પર નજર રાખે છે. જો તમારી પાસે ઉપલબ્ધ રકમ અને સંપત્તિ વિશે આઈટીઆરમાં વિગતો દર્શાવેલી હશે તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો ટેક્સ ચોરી કરી હશે અથવા તો અધૂરો ટેક્સ ચૂકવ્યો હશે અને સંપત્તિ તથા આવક છુપાવી હરશે તો તે સ્થિતિમાં ઈનકમ ટેક્સ દરોડા આવકવેરા અધિનિયમની કલમ 132 અંતર્ગત આ એજન્સીઓ દરોડા પાડી ઘરમાંથી રોકડ અને ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી શકે છે.
રોકડ વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબત
નિયમ અનુસાર બેન્કમાં એક વખતમાં રૂ. 50000 જમા કરાવતી વખતે પાનકાર્ડ રજૂ કરવુ જરૂરી છે. ખરીદી કરતી વખતે રૂ. 2 લાખથી વધુ રકમની રોકડમાં ચૂકવણી કરી શકાય નહીં. તેના માટે તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડની નકલ ફરિજ્યાતપણે રજૂ કરવી પડે છે.