ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી પ્રતિકૂળ વાતાવરણને પગલે ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલો વાયદો પૂરો કરતાં રેવંત રેડ્ડીએ કહ્યું કે, ખેડૂતોની રૂપિયા 2 લાખ સુધીની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેવંત રેડ્ડીએ કહ્યું કે, 2018થી 2023 વચ્ચે જે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તે તમામ ખેડૂતોની લોન સંપૂર્ણ રીતે માફ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, કેબિનેટમાં 12 ડિસેમ્બર, 2018થી 9 ડિસેમ્બર,2023 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. 2 લાખની લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોન માફીની વિગતો, પાત્રતાની શરતો વગેરે બાબતોની માર્ગદર્શિકા- સરકારી આદેશ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યના ખેડૂતોની લોન માફી બાદ રાજ્ય સરકારની તિજોરી પર અંદાજિત 31 હજાર કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે. આ સાથે રેવંત રેડ્ડીએ કહ્યું કે, અગાઉની બીઆરએસ સરકારે ખેડૂતોની 1 લાખ રૂપિયાની લોન માફીના વચનને પ્રમાણિકપણે અમલમાં ન મૂકીને ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે.
સોરેન સરકારે પણ ઝારખંડમાં લીધો છે આવો નિર્ણય
જણાવી દઈએ કે, અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. આ સાથે મફત વીજળીનો ક્વોટા વધારીને 200 યુનિટ કરવામાં આવશે. આ માટે તેમણે ઘણી બેંકોને પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું.
સીએમ ચંપાઈ સોરેનના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020 સુધી ખેડૂતોએ લીધેલી 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના ચાર મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનું વચન આપ્યું હતું. કોંગ્રેસે BRSને ખરાબ રીતે હરાવીને રાજ્યમાં સત્તા મેળવી અને રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હવે કોંગ્રેસ સરકારે ખેડૂતોની લોન માફીની જાહેરાત કરીને તેનો વાયદો પૂરો કર્યો છે.
એકદમ ઓછી કિંમતમાં તમારા ઘર ઉપર સોલાર લગાવીને લાઇટબિલ કરો જીરો- હાલ જ ફોન ઉઠાવીને પૂછપરછ કરો કે કેટલી કિંમતમાં તમારા ઘરનું લાઇટબિલ થઇ જશે જીરો… તો આજે જ સંપર્ક કરો અને લાઇટબિલથી મેળવો છૂટકારો … 9737673768