બનાસકાંઠા જિલ્લામાંધીમેે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. બે દિવસ દાંતા પંથકમાં ધબધબાટી બોલાવ્યા પછી ત્રીજા દિવસે ગુરૂવારે દાંતીવાડામાં પોણા બે ઇંચ અને અમીરગઢમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ડીસા 21 મી.મી., દાંતા 13 મી.મી. કાંકરેજ 15 મી.મી. વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો હતો.
ગુરૂવારે દાંતીવાડામાં સૌથી વધુ 41 મી.મી વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો હતો. અમીરગઢમાં 25 મી.મી. વરસાદ પડતાં માર્ગો ઉપર પાણી વહ્યા હતા. ડીસામાં 21 મી.મી. વરસાદ પડ્યો હતો. વાવણી લાયક વરસાદ થતાં આનંદ પ્રસર્યો છે. બીજી તરફ દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. જ્યાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો.
શિહોરી રોડ ઉપર પાણી ભરાયા
શિહોરીપંથકમાં ગુરૂવારે 15 મી.મી. વરસાદ પડ્યો હતો. વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા. પાટણ નાળા પાસે ગૌ માતાના સ્ટેચ્યુ થી નાળા નીચે મસ મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવા માંગ ઉઠી છે.