પાલનપુર: પીઆઈ MR બારોટે બાળકોના મોઢા ઉપર રેલાવ્યું સ્મિત; ગામ લોકો પણ બન્યા ભાવવિભોર

પાલનપુર: ખાખીના કારણે અનેક ગુનાહિત કૃત્યો અટકી જતાં હોય છે. કાયદો અને કાનૂન બનાવી રાખવાની જવાબદારી સંપૂર્ણ રીતે પોલીસ ઉપર રહેલી છે. તો પોલીસ કેટલીક હદ્દે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી પણ રહી છે. આ સાથે-સાથે કેટલાક પોલીસ અધિકારીઓ જનતા માટે વ્યક્તિગત રીતે પણ સેવાભાવી કામગીરી કરતાં હોય છે. આવું જ એક ઉત્કૃષ્ટ કામ કરતાં જોવા મળ્યા છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમઆર બારોટ

પાલનપુર તાલુકામાં માનપુર નામે એક ખુબ જ સુંદર અને નાનકડૂ ગામ આવેલું છે. આ ગામમાં મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને પોતાની આજીવિકા ખેતી કામ અને મજૂરી કામ કરીને જ પુરી કરી છે. આ વચ્ચે પીઆઈ એમઆર બારોટે માનપુર ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગ ભેટ આપીને દિલમાં ઉતરી જનારી કામગીરી કરી છે.

માનપુર પ્રાથમિક શાળાના એકથી પાંચ ધોરણના તમામ બાળકોને પીઆઈ એમઆર બારોટે સ્કૂલ બેગ ભેટ આપીને અભ્યાસ અર્થે તેમની રૂચિ વધારવા માટે પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે. આ કામગીરીને જોઈને શાળા સ્ટાફ અને ગામ લોકો પણ ભાવવિભોર બન્યા હતા. તો બીજી તરફ નાના ભૂલકાઓમાં ખુશીની કોઈ સીમા રહી નહતી. ઉલ્લેખનિય છે કે, ગ્રામીણ વિસ્તારમાં અત્યારે પણ સ્કૂલ બેગના નામે કપડાની બેગ જ જોવા મળતી હોય છે. તેવામાં એમઆર બારોટે બાળકોના મોઢા ઉપર સ્મિત રેલાવી દીધું છે.