પીએમ મોદીની ચિંતામાં થયો વધારો; બિહારને વિશેષ દરજ્જો આપવાની ઉઠી માંગણી

એક તરફ કેન્દ્ર સરકારે બજેટ (Union Budget 2024)ની દોડધામ શરૂ કરી દીધી છે, ત્યારે બિહારના ત્રણ દિગ્ગજ નેતાઓએ વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીનો ફરી મધપૂડો છંછેડી મોદી સરકારની ચિંતા વધારી દીધી છે. નેતાનું કહેવું છે કે, જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશો તો બિહાર ટોચના રાજ્યો સુધી પહોંચી શકશે. આ ઉપરાંત અન્ય એક નેતાએ તો દરજ્જાની સાથે વિશેષ સહાયની પણ માંગ કરી છે.

બિહાર પાસે કુદરતી સંસાધનોની અછત : જેડીયુ મંત્રી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Bihar CM Nitish Kumar)ની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ના દિગ્ગજ નેતા અને બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરી (Ashok Choudhary)એ 11 જુલાઈએ પટણામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીની જૂની માંગોની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, ‘અમે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ શરૂઆતથી જ કરી રહ્યા છીએ.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં કોઈ મુશ્કેલી ન થવી જોઈએ. તમામ લોકો જાણે છે કે, બિહાર પાસે કુદરતી સંસાધનોની અછત છે. આનું ભૌગોલિક અને ઐતિહાસિક કારણ છે, તેથી આમાં બિહારવાસીઓનો કોઈ ભૂમિકા નથી. અમારી પાસે અહીં ખાણો કે દરિયાકિનારા નથી, તેથી તે બિહારનો દોષ નથી. કોઈપણ રાજ્યમાં સોનાની ખાણ હોય તો તે ન તો સરકારની અને ન તો પ્રજાની સિદ્ધિ છે. આપણે નસીબદાર રાજ્ય નથી. બિહારને વિશેષ દરજ્જો મળવો જોઈએ.’

બીજી તરફ હિન્દુસ્તાની આવામ મોરચાએ (Hindustani Awam Morcha)ના વડા જીતન રામ માંઝી (Jitan Ram Manjhi)એ પણ વિશેષ રાજ્યના દરજ્જાની ફરી માંગ કરી છે. પાર્ટીએ કહ્યું કે, રાજ્યનો વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જ જોઈએ. આ નેતાઓના વલણો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એનડીએના સાથી પક્ષો પોતાની માંગ દિલ્હી સુધી પહોંચાડવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.

બિહારને વિશેષ સહાય પણ મળવી જોઈએ : સંતોષ સુમન

બિહાર સરકારના મંત્રી સંતોષ સુમન (Bihar Minister Santosh Suman)એ પણ કહ્યું કે, ‘બિહારના વિશેષ રાજ્યના દરજજ્જાની જરૂર છે. કેન્દ્રીય સહાય પણ મળવી જોઈએ. હું એક બિહારી હોવાથી ઈચ્છું છું કે, રાજ્યને વિશેષ સહાય અને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. બિહારના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા સહાય મળશે તો બિહાર પણ અગ્રણી રાજ્યોમાં આવી શકશે.’