નેપાળમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મધ્ય નેપાળમાં મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનની ભયાનક ઘટના બની હતી જેના કારણે લગભગ 63 મુસાફરોને લઇ જતી બે બસો ત્રિશૂળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ મળ્યાં છે. બંને બસોમાં ડ્રાઈવરો સહિત કુલ 63 મુસાફરો સામેલ હોવાની માહિતી છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે શરૂઆતની માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે બસો સવારે આશરે 3:30 વાગ્યે નદીમાં વહી ગઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 ભારતીયો સહિત કુલ 11 લોકો મૃત્યુ પામી ગયા છે. જોકે અન્ય લોકોની શોધખોળ હજુ પણ જારી છે. મૃતકાંક વધી શકે છે.
વરસાદને કારણે શોધખોળ અભિયાનમાં અડચણ આવી રહી છે
માહિતી અનુસાર ઘટનાસ્થળે ભારે વરસાદને પગલે રેસ્ક્યૂ અને શોધખોળ અભિયાનમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના અંગે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે નારાયણગઢ-મુગ્લિન રોડ પર ભૂસ્ખલનની લપેટમાં આવતા બસ નદીમાં વહી જતાં લગભગ 60થી વધુ લોકો ગુમ છે.
A landslide swept two buses carrying an estimated 63 passengers, on Madan-Ashrit Highway in Central Nepal into the Trishuli River, this morning.
(Source: Road Division Office, Bharatpur, Nepal) https://t.co/1LZ1qYcXcQ pic.twitter.com/1xSFDB5uZY
— ANI (@ANI) July 12, 2024
નેપાળમાં ભારે વરસાદ આફત બન્યો
નેપાળમાં જૂનથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓને લીધે લોકોની હાલત દયનીય થઇ ગઇ છે. અનેક રસ્તા બંધ થઇ ગયા છે તો અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તાજેતરની ઘટના ચિતવન નજીક બની હતી. અહીં કાઠમંડુથી ગૌર તરફ જતી એક બસમાં 41 લોકો સવાર હતા જ્યારે બીરગંજથી કાઠમંડુ જતી બસમાં 24 લોકો સવાર હોવાની માહિતી છે. આ બંને બસ ત્રિશૂલી નદીમાં ખાબકી હતી.