થરાદની મુખ્ય કેનાલમાંથી ગતરોજ વહેલી સવારે ફાયર ટીમે યુવકનો મૃતદેહ બહાર કઢાયો હતો. જેના બાદ મોડી સાંજે મુખ્ય કેનાલમાં યુવક યુવતીના હાથ બાંધેલો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બાર કલાકથી ઓછા સમયમાં ત્રણ મૃતદેહ ફાયર ટીમે બહાર કાઢ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઇ છે. થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય કેનાલ શુક્રવારે ગોઝારી બની ગઇ હતી. વહેલી સવારે ફાયર ટીમ અને તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય કેનાલ પર મોટરસાઇકલ અને ચંપલ મૂકીને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાએ ફાયર ટીમ અને નગરપાલિકાના તરવૈયા દ્વારા શોધખોળ હાથધરી હતી.
મોડી સાંજે મહાજનપુરા અને ચુડમેર વચ્ચે કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોઈએ મોટરસાઇકલ મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ ફાયર ટીમને આવતાં શોધખોળ હાથધરી હતી, પણ કોઈ મળી આવ્યું ન હતું. જેના બાદ મોડી સાંજે તરતા બે મૃતદેહ રાહદારીઓની નજરે પડતાં ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી બંને મૃતદેહને કેનાલમાં બહાર કાઢ્યા હતા. યુવક યુવતીના હાથ બાંધેલા મૃતદેહ મળી આવતાં કેનાલ પર ઉપસ્થિત લોકોએ બંને પ્રેમીપંખીડા હોવાની શંકાઓ વ્યક્ત કરી હતી. પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.
થરાદની મુખ્ય કેનાલમાંથી બાર કલાકથી ઓછાં સમયમાં ત્રણ મૃતદેહ બહાર કાઢતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.