પાલનપુરમાં જિલ્લા પ્રભારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય ઉપર પગલા ક્યારે લેવાશે?

પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાવામાં આવી હતી. આ દરમિયાન પાલનપુર સહિત આસપાસ વિસ્તારમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અંગેની માહિતી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામોની માહિતી મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈને અધિકારીઓને અન્ય કેટલાક કામો ઝડપી કરવા માટે સુચનાઓ આપી હતી. મંત્રી બળવંતસિંહે લોકહિતના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે કરવાની સૂચના આપી હતી.

તે ઉપરાંત મંત્રી બળવંતસિંહ રાજપૂતે અધિકારીઓને ખાસ સૂચના આપતા કહ્યું હતું કે, જે લોકો ઉપર આભ, નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે એવા લોકોની ચિંતા કરતાં ગામતળ નિમ કરવા બાબતે અને નિરાધાર લોકોને રાહત / મફતગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું. આમ ઘર વિહોણા લોકોને પોતાના ઘરના ઘર મળે તેવી સૂચના આપવામાં આવી હતી. વધુમાં મંત્રી દ્વારા જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઇવે પ્રોજેકટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં અંબાજી માતાના મહામેળાને લઇને લાંબી બેઠક ચાલી હતી. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટીદાર કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આ તમામ બાબતો સિવાય જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેકટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનિય છે કે, પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા અને નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે બૂમરાણ મચી છે. પાલનપુરમાં નગરપાલિકાની નીતિઓ અને ભ્રષ્ટાચારના કારણે જ ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં સમીક્ષા બેઠકમાં અન્ય કામગીરીને લઈને કરવામાં આવેલી ચર્ચાઓ નિરાધાર લાગી રહી છે. પાલનપુરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરંતુ નગરપાલિકા સહિતનું તંત્ર તેને દૂર કરી શકી નથી. તેવામાં અન્ય કામગીરી ઝડપી કરે તે વાતમાં કોઈ દમ નથી. તેથી પાલનપુરની જનતાએ વધારે આશા રાખવી નઠારી નિવડી શકે છે.