ચાંદીપુરા વાયરસ 14 બાળકોને ભરખી ગયું; જાણો જીવલેણ મચ્છર વિશેની તમામ માહિતી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક મળનાર છે. આરોગ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તેમજ રાજ્યનાં તમામ જિલ્લા, મહાનગરનાં આરોગ્ય અધિકારીને વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ પણ હાજર રહેશે. રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રનાં ર્ડાક્ટરોને પણ વીસીથી જોડવામાં આવશે. ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અને તેનાં અટકાયતી પગલાઓ અંગે ચર્ચા થશે. રાજ્યમાં 26 ચાંદીપુરાનાં કેસો નોંધાયા છે. જે પૈકી 14 મૃત્યું પામ્યા છે.

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી 14 બાળકોનાં મૃત્યું થયા છે. આરોગ્ય વિભાગે સત્તાવાર વિગત જાહેર કરી છે. રાજ્ય કક્ષાની રેપીડ રિસ્પોન્સ ટીમ અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી છે. ચાંદીપુરાનાં શંકાસ્પદ 26 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત 13 જીલ્લામાં કેસ નોંધાયા છે. રાજ્યભરનાં 10 હજાર 181 ઘરોમાં 51 હજાર 726 લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. આ વાઇરસ પાછળ મુખ્ય જવાબદાર સેન્ડ ફ્લાય છે. જે કરડવાથી બાળકોમાં ચાંદીપુરા વાઇરસ ફેલાય છે. આવો જાણીએ આ સેન્ડ ફ્લાય માખી વિશે…

રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં કેસ વધ્યા છે. 8 બાળકોનાં વાયરસનાં કારણે મોત થયા હતા. હિંમતનગરમાં 6 બાળકો, મહેસાણામાં 1 બાળક, પંચમહાલમાં 1 બાળક, વાયરસનું સંક્રમણ વધતા તંત્ર ચિંતિત બન્યું હતું. હિંમતગનરમાં 20 બેડનો વોર્ડ ઉભો કરાયો હતો. 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકો પ્રભાવિત થયા હતા. ઘરમાં બાળક છે તો માખી-મચ્છરથી દૂર રાખજો.

ઓળખો આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય

સેન્ડ ફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલ પર ભેજવાળા વાતાવરણમાં જોવા મળી છે. સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે.

સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ કેવી રીતે થાય છે

સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દીવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દીવાલની તિરાડો તેમજ દીવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગો

સેન્ડ ફ્લાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. એક પ્રકારના વાઇરસને કારણે ચાંદીપુરા વાઇરસ, તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે. આ રોગ સામાન્ય રીતે 7થી 14 વર્ષના બાળકોમાં (રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે) જોવા મળે છે.

સેન્ડ ફ્લાયથી ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો

  • સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પૂરાવી દેવી જોઈએ.
  • ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્યપ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી.
  • 0 થી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો.
  • બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં.
  • ચાંદીપુરાના લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે જવું અને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા.

ગોધરામાંથી 19 સેન્ડફ્લાય માખી મળી

ગોધરા તાલુકાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કારણે મોત થયું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના ઘરમાં સર્વે કરતાં તેના ઘરમાંથી 4 સેન્ડ ફ્લાય મળી આવી હતી. જ્યારે પડોશીઓના ઘરમાંથી પણ 15 સેન્ડ ફ્લાય મળી આવી હતી. આમ કુલ મળી 19 સેન્ડ ફ્લાયને પુના ખાતેની લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે.

હવે શહેરોમાં પણ વાઇરસની અસર, અમદાવાદમાં 5 બાળકો દાખલ

અમદાવાદ સિવિલમાં દાખલ કરાયેલાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ મહેસાણાના બાળકના મોત બાદ વધુ એક દહેગામના બાળકનું મોત થયું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાં અનુસાર, મહેસાણાના 1 વર્ષીય બાળકના મોત બાદ સારવાર માટે દાખલ ચાંદીપુરા વાઇરસના 5 શંકાસ્પદ બાળકોમાંથી બુધવારે દહેગામના 7 વર્ષીય બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હાલમાં સિવિલમાં વાઇરસના 3 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 1 બાળક વેન્ટિલેટર પર છે, જ્યારે 2 દર્દીની હાલત સ્થિર છે.

આરોગ્ય ખાતાની કર્મચારીઓ ઉપર બધુ ન છોડીને પોતે પણ પોતાના ઘરની આસપાસ દવાનું છટકાવ કરવું જોઈએ. સ્વભાવિક બાબત છે કે, આરોગ્ય કર્મચારી સંખ્યા અને સમયના અભાવના કારણે બધા ઠેકાણે પહોંચી શકે નહીં. તેથી બાળકોને સાચવવાની જવાબદારી માતા-પિતાને ઉઠાવીને પોતાના ઘરની આસપાસ એગ્રોની દુકાનમાંથી દવા લાવીને ફુવારામાં ભરીને ઘરની આસપાસ છંટકાવ કરવો જોઈએ. તે ઉપરાંત ગેમેશન પાવડરનો છટકાવ કરવો જોઈએ. એગ્રોની દુકાનમાં પાણીમાં નાંખીને છાંટવાની દવા 50 રૂપિયાની આસપાસ મળે છે તો ગેમેશન પાવડર પણ 30 એક રૂપિયામાં મળી જશે. તે ઉપરાંત 50 એક રૂપિયામાં માર્કેટમાં ફુવારો પણ મળી જશે. આમ 100 રૂપિયાના ખર્ચામાં તમે તમારા બાળકની રક્ષા કરી શકશો.