વિવાદાસ્પદ IAS પૂજા ખેડકરની નોકરી પર ખતરો, UPSCએ નોંધાવી FIR

વિવાદાસ્પદ ટ્રેની આઈએએસ અધિકરી પૂજા ખેડકરની માતાની ‘બંદૂક’ વાળી કરતુતો બાદ પૂજા પર એક પછી એક મુસીબતો આવી છે. હવે તેની સામે જાહેર સેવા આયોગે (યુપીએસસી) FIR નોંધાવી છે, તો બીજીતરફ સંસ્થાએ પણ તેને નોટીસ પાઠવી ગડબડનો જવાબ માંગ્યો છે. સંસ્થાએ તેને કહ્યું છે કે, તમારી ઉમેદવારી રદ કેમ ન કરવામાં આવે. આ ઉપરાંત પૂજાને આગામી પરીક્ષાઓમાંથી પણ બાકાત કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે ઓબીસી હેઠળ અનામત મેળવવા માટે છેતરપિંડી કરી. સેવામાં તહેનાત થતા જ ખોટી માગણીઓ શરૂ કરી. તેની આવી હરકતો ધ્યાને લેવાયા બાદ ફાઈલ ખુલી છે, જેમાં તેણે ઘણા કારસ્તાન કર્યા હોવાનું સામે આવ્યું છે.

પૂજાએ નામ, સરનામું, પિતાનું નામ, બધુ જ બદલી નાખ્યું

યુપીએસસીના સત્તાવાર નિવેદન મુજબ, ‘પૂજા વિરુદ્ધ વિસ્તૃત તપાસ કરાઈ છે, જેમાં જાણ થઈ છે કે, તેણે સિવિલ સેવા પરીક્ષા-2022માં ઉલ્લંઘન કરીને પરીક્ષા આપી છે. તેણે પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, ફોટો અને સાઈટ બદલી નાખ્યા છે. આ ઉપરાંત મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને સરનામું પણ બદલી નાખ્યું છે. આ જ કારણે તેને મર્યાદા કરતા વધુ વખત પરીક્ષામાં બેસવાની તક મળી છે.’

અમે કોઈપણ પ્રકારની સમજુતી ન કરી શકીએ : UPSC

યુપીએસસીએ કહ્યું કે, અમે પૂજા સામે તપાસ કર્યા બાદ તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે તેમજ તેને નોટિસ પાઠવીને કહ્યું છે કે, વર્ષ 2022ની પરીક્ષા યોજાયા બાદ તમારી પસંદગી રદ કેમ રદ કરવામાં ન આવે. અમે તેના પર ભવિષ્યમાં યોજાનારી પરીક્ષા આપવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. યુપીએસસી એક બંધારણીય સંસ્થા છે અને અમારી જવાબદારી નિયમોનું પાલન કરવાની છે. અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે, પરીક્ષામાં કોઈપણ પ્રકારની ધાંધલી ન થાય અને જો કોઈ ગડબડ કરે, તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અમે વિશ્વાસ ઉભો કર્યો છે. ખાસ કરીને ઉમેદવારો અમારા પર વિશ્વાસ કરતા હોય છે. અમે લોકોનો વિશ્વાસ જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ અને આમાં કોઈપણ પ્રકારની સમજુતી ન કરી શકાય.