બોરસદમાં 4 કલાકમાં 13 ઈંચ વરસાદ: આણંદવાસીઓની કફોડી સ્થિતિ, નવસારી-અમરેલી-બગસરામાં જળબંબાકાર

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. ત્યારે મોડી રાત્રે જુનાગઢ, ભરૂચ, વલસાડ સહિતના કેટલાક શહેરોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદી માહોલ છે.

છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લા નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સવારના આઠ વાગ્યાથી લઈને 10:00 વાગ્યા સુધીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી જતાં નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

નસવાડીમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી અને આઠ વાગ્યાથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ મુશળધાર વરસાદને પગલે નસવાડીના નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, નસવાડીની એસ.બી.સોલંકી હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં ઘૂટણસમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.