પાલનપુર શહેરની પૂર્વ પોલીસ સ્ટેશનના અધિકારીઓ બંને હાથથી મલાઇ ખાવા માંગે છે પરંતુ મોઢું બગાડવા માંગતા નથી. વાત જાણે એમ છે કે, પાલનપુરના ભરચક એવા પૂર્વ વિસ્તારમાં આવેલ બેલીમ હોટલ સામે પ્રકાશ ડાભી નામનો બુટલેગર ખુલ્લેઆમ દેશી દારૂનો વેચાણ કરી રહ્યો છે. આ અંગે ગુજરાત ટાઇમ્સ24 દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ વાંચીને શહેરની પૂર્વ વિસ્તારની પોલીસ હરકતમાં આવી અને પ્રકાશ ડાભી ઉપર કેસ કરી દીધો હતો. આ એક્શન પણ એકદમ ઝડપી લેવામાં આવી હતી, તેથી એવું લાગ્યું કે બનાસકાંઠામાં પોલીસે કાયદા પ્રમાણે ખુબ જ સારી રીતે કામ કરીને કાયદાનો ડર લોકોના દિલમાં રાખી રહી છે.
જો કે, હવે માહિતી એવી મળી રહી છે કે, કાયદાથી બચવા માટે પોલીસે એક છટક બારીનું નિર્માણ કરી લીધું છે. બુટલેગરની સાથે-સાથે પોતાને ફાયદો થાય જેથી તેમને મળતી મલાઇ બંધ ન થઇ જાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. આ છટકબારી થકી જ પ્રકાશ ડાભી અને તેના દ્વારા ફેલાવવામાં આવતા સમાજિક દૂષણને પણ બચાવી લેવામાં આવ્યો છે.
પોલીસના નવા કિમિયા પ્રમાણે બુટલેગર ઉપર કેસ કરી દેવામાં આવે છે. બુટલેગર કોર્ટમાં જઈને પોતાના જામીન લઈ લે છે. જામીન લઈને સીધો જ બે કલાકમાં પોતાના ધંધા ઉપર જતો રહે છે. આ બધી કામગીરી એકદમ ઝડપી કરવામાં આવે છે, તેથી એકાદ-બે કલાકમાં બુટલેગર પોતાના ધંધા ઉપર પાછો વળી શકે. આમ પોલીસ દ્વારા કાયદા પ્રમાણે કામગીરી તો દર્શાવવામાં આવે છે પરંતુ કાયદાને લૂલો બનાવી દેવામાં આવ્યો છે. આ એક ગંભીર બાબત છે. કેમ કે આવું જ ચાલતું રહેશે તો ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા અસામાજિક તત્વોના દિલમાં કાયદાનો ડર જ રહેશે નહીં.
સ્વભાવિક છે કે, કાયદાના કારણે સમાજમાં બધુ ઠિક ઠાક ચાલે છે, પરંતુ જો કાયદાનો ડર જ ખત્મ થઇ જશે તો અંધાધૂધી ફેલાય તેમા શંકાને સ્થાન નથી. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ બુટલેગરોને છાવરવા માટે કાયદાનો દૂરપયોગ કરે છે, અતિ ગંભીર બાબત છે. કેમ કે કાયદાના રક્ષક જ કાયદાનો દુરપયોગ કરે તો પછી સામાન્ય જનતા માટે જીવવું મુશ્કેલ બની શકે છે. તેમને પ્રકાશ ડાભી ઉપર કેસ કરવાની સાથે-સાથે દારૂના ગેરકાયદેસર ચાલતા ધંધાને પણ બંધ કરવાની તસ્દી લેવી જોઈએ. ગુજરાતમાં પોલીસ દ્વારા કરવામાં આવતી સારી કામગીરીમાં એક કામ દારૂના ચાલતા ગેરકાયદેસર ધંધાને બંધ કરાવવાનું છે, તેને છાવરવાનું નથી.
આ પણ વાંચો- કેન્દ્રીય બજેટ 2024-25: કરોડો-અબજો રૂપિયાની વાતો વચ્ચે ગરીબોને કેટલો ફાયદો થશે?
કેમ પોલીસ પ્રકાશ ડાભીનો દારૂનો ધંધો બંધ કરવાની જગ્યાએ છાવરી રહી છે?
પાલનપુર શહેરના ભરચક વિસ્તારની વચોવચ ખુલ્લેઆમ દેશી દારૂની કોથળીઓ વેચાય છે, ત્યાં દિવસ દરમિયાન 500થી વધારે લોકો દારૂ પીવા માટે આવે છે. એક કોથળીનો ભાવ ઓછામાં ઓછો 20 રૂપિયા લેવામાં આવે છે. અમારા સુત્રોના જણાવ્યા અનુસાર આખા દિવસમાં 500થી વધારે દારૂની પોટલીઓનું વેચાણ થઇ રહ્યું છે. તો આપણે માત્ર એક આછું ગણીત ગણીએ તો પણ સમજાશે કે દિવસના દસ હજાર રૂપિયાનું દારૂ વેચાવામાં આવી રહ્યું છે. એટલે કે મહિને ત્રણ લાખ અને બાર મહિને 36 લાખ રૂપિયાની આવક થઈ રહી છે.
હવે કોઈ પોતાની દૂજણી ગાયને કસાઇ વાડે કેમ મોકલે? પોલીસ માટે પ્રકાશ ડાભી દૂજણી ગાય સમાન છે, પછી ભલેને આ ગાય સમાજને રમણ-ભમણ જ કેમ કરી નાંખતી નથી. પોલીસને પોતાના પૈસાથી મતબલ છે સમાજમાં સામાજિક દૂષણ ફેલાવનારા પ્રકાશ ડાભી ઉપર એક્શન લેવાના નામે પોલીસ પોતે જ સમાજ સાથે છેતરપિંડી કરી છે.
સમાજના રક્ષક જ સમાજમાં સામાજિક દૂષણ ફેલાવનારા કેટલા પ્રકાશ ડાભીને છાવરતા હશે? આ તો માત્ર એક ઉદાહરણ રૂપ ઘટના સામે આવી છે, પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક પ્રકાશ ડાભી સમાજમાં સામાજિક દૂષણ ફેલાવી રહ્યા હશે તેનો વિશે પણ આગામી દિવસોમાં તપાસ કરીને ખુલાસાઓ કરવામાં આવશે. આ અંગે પોતે પોલીસ અધિકારીઓ પાસેથી તેમની જવાબદારી બાબતે જવાબ માંગવામાં આવશે.
આ પણ વાંચો- પાલનપુર: બેલીમ હોટલ સામે ચાલતી દેશી દારૂની હાટડી ઉપર કોની રહેમનજર? લઠ્ઠાકાંડ થશે તો જવાબદાર કોણ?