નેપાળની રાજધાની કાઠમાંડૂમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં હાલ 18 લોકોનાં મોતની જાણકારી સામે આવી છે. ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાક્યને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી.
વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તે સવારે લગભગ 11 વાગે ક્રેશ થયું હતું. 9N-AME પ્લેન સૂર્યા એરલાઈન્સનું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, પોલીસ અને ફાયર ફાયટર્સની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જોકે, ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. તેને તરત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.
વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું
વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. કાઠમંડુમાં આવેલા ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા.