14 ઇંચ વરસાદથી વડોદરાનું જનજીવન ઠપ; જાહેર કરાયા ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા પછી મેઘરાજાની સવારી મધ્ય ગુજરાત તરફ ફરી છે. વડોદરામાં ગઈકાલે અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 14 ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે.

હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે, આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂઆત થઇ ગઇ છે. તંત્ર હજુ પૂરતા પ્રમાણમાં એક્ટિવ થયું નથી.

વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં પાણી આવ્યું છે. ગઈકાલે વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનીની શરૂઆત થઈ છે.

અગાઉ પણ થોડા વરસાદમાં વડોદરાની રસ્તાઓ ઉપર મગરો જોવા મળતા હતા. તો આ વખતે પરિસ્થિતિ ખુબ જ વિકટ હોવાથી મગરોનો ડર લોકોમાં વધારે જોવા મળી રહ્યો છે. વિશ્વામિત્રી પોતાની ભયજનક સપાટી વટાવી છે, તો બીજી તરફ વરસાદનું જોર વધી રહ્યુ છે. હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. તેથી જો આગામી બે દિવસ વધારે વરસાદ પડે છે તો વડોદરાની જનતાને એક નહીં પરંતુ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વડોદરા મ્યુનિસિપાર્ટીએ યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી કરવી પડશે.

ગાંધીનગર સ્થિત ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં વડોદરાથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહ પણ જોડાયા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિગતો આપી હતી કે, વડોદરા શહેરમાં એક દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે કુલ 1493 લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 20 આશ્રયસ્થાનો નિયત કરવામાં આવ્યા છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદ પડવાની શક્યતાને ધ્યાને રાખીને એનડીઆરએફની એક અને એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 30 બસો પણ તૈયાર રાખવામાં આવી છે.

ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા

વડોદરા કોર્પોરેશન હેલ્પલાઈન- 1800 233 0265
ફ્લડ કંટ્રોલરૂ- 0265 242592
NDRF હેલ્પલાઈન- 9711077372
એનિમલ હેલ્પલાઈન વી કેર- 9409027166