રાજકોટ: વિદ્યા સંકુલમાં ભાજપના બે આગેવાને વિદ્યાર્થિની ઉપર કર્યો રેપ

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવાં કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધ્યો છે.

જણાવી દઇએ કે આ પ્રકરણમાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મામલો બહાર આવતાં ભાજપનાં મોટાં માથાંએ કેસને દબાવવા માટે પીડિતાના પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણજગતમાં ચકચાર મચાવતી આ ઘટના અંગેની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે.

પીડિતાએ જણાવ્યું હતું કે તેણે 5 વર્ષ પહેલાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીને 2021માં ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આરોપી દ્વારા ટોર્ચરિંગ શરૂ કરી અવારનવાર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતી હતી. બદનામ કરી દઈશ અને પરિવારને જીવતા નહીં રહેવા દઉં, એવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી હતી.

આટકોટના ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થિની સાથે ભાજપના જ બે આગેવાનો દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ ઊઠતાં ભાજપના જ મોટાં માથાંએ આ પ્રકરણ દબાવવા સામ-દામ, દંડ-ભેદની નીતિ અપનાવી પીડિત પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો જિલ્લા પોલીસવડા સુધી પહોંચતાં અંતે ગુનો નોંધાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે, આરોપી ટ્રસ્ટી પરેશ રાદડિયાનાં પત્ની જિલ્લા પંચાયતનાં સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- વડનગર: ડબ્બા ટ્રેડિગ કરતા ત્રણ યુવકો ઝડપાયા; અનિલ-સેધાજી; વિક્રમ-અશોક સહિત મુખ્ય ખેલાડીઓ પોલીસની પક્કડથી દૂર