અમીરગઢ પોલીસની જાગૃત્તા અને સક્રિયતાના કારણે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનમાંથી પ્રતિદિવસ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. જોકે, પાલનપુર, અમીરગઢ સહિતની પોલીસ પણ ઘણી સક્રિય હોવાથી લાખો કરોડો રૂપિયાનો દારૂ ઝડપી રહી છે. એક વખત ફરીથી બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના એક નવા કિમિયાને પણ અમીરગઢ પોલીસે ફેલ કરી દીધો છે.
અમીરગઢ પોલીસે શંકાના અને બાતમીના આધારે જ વાહન ચેકિંગ દરમિયાન કન્ટેનરમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. કન્ટેનર ચાલક રાજસ્થાનમાંથી દારૂ ભરી કોઈ જ ડર વગર ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો હતો. કેમ કે ખાતરના કટ્ટાની આડમાં દારૂ સંતાડેલો હતો. અંદર પ્રવેશ કરીને વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે નહીં તો ખ્યાલ આવે જ નહીં કે અંદર દારૂ છે. પરંતુ આ વખતે અમીરગઢ પોલીસ પણ પોતાની બધી જ તૈયારી સાથે બેસી હતી. પોતાના સક્રિય બાતમીદારો પાસેથી તેમને તમામ માહિતી લઈ લીધી હતી. કેન્ટેનરના નંબર સુધી પોલીસે મેળવી લીધો હોવાના કારણે કન્ટેનર આવતાની સાથે જ તેને સાઇડમાં કરાવ્યો હતો. આ કન્ટેનરમાં તપાસ કરતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલકને અટકાયત કરી કુલ મુદ્દા માલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-પાટણના 15 તલાટી સામે કેમ કરવામાં આવી કડક શિક્ષાત્મક કાર્યવાહી?
ઉલ્લેખનિય છે કે, અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર પ્રતિદિવસ રૂટિંગ ચેકિંગ પોલીસ કરે છે. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા ટેલરને રોકાવી તેની તપાસ કરતાં કન્ટેનરમાંથી ખાતરના કટ્ટાની આડમાં કુલ 6960 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. આમ અમીરગઢ પોલીસે કુલ 44 લાખ 53 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ દરમિયાન કન્ટેનર ચાલક ઝુજારામ શંભુરામ જાટ રહે, બામરલા સેડવા બાડમેર રાજેસ્થાનવાળાની અટકાયત કરી કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.